ગીર ગઢડાના વડવિયાળા ગામેથી દીપડો પાંજરે પુરાયો
ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં બે દિવસ પહેલા એક દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે આ પાંજરું ગોઠવ્યું હતું ત્યાંથી છથી આઠ વર્ષની ઉંમરનો એક નર દીપડો પકડાયો છે.સ્થાનિક રહેવાસી બચુભાઈ કરશનભાઈ રાઠોડના ઘર નજીક આ પાંજરું મૂકવામાં આવ્યું હતું, જ્યાં દીપડો અવારનવાર દેખાતો હતો. ગામલોકોમાં ભયનો માહોલ હતો, જેના કારણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.દીપડો પાંજરે પુરાયા બાદ વન વિભાગની ટીમે તેને સુરક્ષિત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો હતો. ત્યાં પ્રાથમિક તપાસ અને સ્વાસ્થ્ય નિરીક્ષણ બાદ તેને જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવશે. આ ઘટના બાદ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા