અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: ૨૨૨ અંગદાતાઓના અંગદાન થકી ૭૧૩ વ્યક્તિઓને મળ્યું નવજીવન
ગુપ્તદાનની માનવતા અને દીકરીના ચક્ષુદાનથી અંગદાનનો મહાયજ્ઞ અવિરત
૭૩૫ અંગો અને ૧૮૭ પેશીઓ મળીને કુલ ૯૨૨ અંગો તેમજ પેશીઓનું દાન પ્રાપ્ત થયું
“૨૪×૭ અમારી ટીમની સમર્પણભાવના, શિસ્ત અને ટીમવર્ક સાથે દરેક લેવલે SOP/માર્ગદર્શિકા મુજબ કામ કરવાની પદ્ધતિના લીધે આ મહાકાર્ય સરળતાથી આગળ વધી રહ્યું છે” – ડૉ. રાકેશ જોશી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. હોસ્પિટલમાં તાજેતરમાં ગુપ્તદાન સ્વરૂપે ૨૨૨મું અંગદાન થયું, જેના થકી એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું છે. આ અવિરત સેવા દ્વારા હોસ્પિટલે કુલ ૭૩૫ અંગોનું દાન મેળવીને ૭૧૩ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન પ્રદાન કર્યું છે.
ગુપ્તદાન સ્વરૂપે થયેલું ૨૨૨મું અંગદાન
સિવિલ હોસ્પિટલમાં ગુપ્તદાન સ્વરૂપે થયેલા ૨૨૨મા અંગદાનની વિગતો જોઈએ તો, સિવિલના આઇસીયુમાં દાખલ મધ્યપ્રદેશના ૪૪ વર્ષીય પુરુષ દર્દી સારવાર દરમિયાન ૨૫ નવેમ્બરના રોજ બ્રેઈનડેડ જાહેર થયા હતા. હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા દર્દીના સગાઓને સમજાવતા તેઓએ અંગદાનની સંમતિ આપી હતી. આ અંગદાનથી મળેલ બે કિડની અને એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
ચક્ષુદાન થકી પરિવારે દીકરીને અન્યોની દ્રષ્ટિમાં જીવંત રાખી
ચક્ષુદાન સ્વરૂપે થયેલા અંગદાનના બીજા એક કિસ્સામાં અમદાવાદના અમરાઈવાડીના ૨૩ વર્ષીય શ્વેતાબેન પ્રજાપતિ નામના દર્દી મૃત્યુ પામતા સ્ટાફ દ્વારા આઈ ડોનેશન માટે સમજાવતા પરિવારજનોએ તેમની આંખોનું દાન કર્યું હતું. આ મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટી કેમ્પસની જ એમ. એન. જે. આઈ. હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
અંગદાનની શરૂઆતથી અંત સુધીની મેરેથોન પ્રક્રિયા
સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ અંગદાનની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપતાં જણાવ્યું કે એક અંગદાન પાછળ ૪૮ થી ૭૨ કલાકની જટિલ પ્રક્રિયા હોય છે. દર્દી બ્રેઇન ડેડ માલૂમ પડે ત્યારથી તેના મેનેજમેન્ટ, એપનીઆ ટેસ્ટ કરી બ્રેઇન ડેડ પ્રમાણિત કરવું, ત્યારબાદ દર્દીના પરિવારજનોનું કાઉન્સેલીંગ કરી અંગદાન માટે સંમતિ લેવી તથા સોટો(SOTTO) સાથે અને અંગો જે હોસ્પિટલોના દર્દીઓને પ્રત્યારોપણ માટે ફાળવવામાં આવે તેમની સાથે સંકલન કરી ઓપરેશનનો સમય નક્કી કરવો. અંગો જે તે હોસ્પિટલમાં સમયસર પહોંચતા કરવા જરૂરી ગ્રીન કોરીડોર માટે પોલીસ સાથે તેમજ ડેડ બોડીના પોસ્ટમોર્ટમ માટે પોલીસ અને પોસ્ટમોર્ટમના ડોક્ટર સાથે સંકલન કરવું – એમ આ આખી એક જટિલ પ્રક્રિયા છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં કુલ ૯૨૨ અંગો તેમજ પેશીઓનું દાન મેળવવામાં આવ્યું છે.
બોક્સ મેટર: સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં અંગદાનમાં મેળવેલ અંગો અને પેશીઓની આંકડાકીય વિગતો
• કુલ અંગદાતાઓ: ૨૨૨
• કુલ અંગોનું દાન: ૭૩૫ (જેમાં ૧૯૬ લીવર, ૪૦૮ કિડની, ૭૧ હૃદય, ૧૮ સ્વાદુપિંડ, ૩૪ ફેફસાં, ૬ હાથ, ૨ નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે.)
• કુલ પેશીઓનું દાન: ૧૮૭ (જેમાં ૧૬૦ ચક્ષુ અને ૨૭ ચામડીનો સમાવેશ થાય છે.)
• અંગો અને પેશીઓનું કુલ દાન: ૯૨૨
આ ૭૩૫ અંગો થકી અત્યાર સુધી ૭૧૩ વ્યક્તિઓને નવું જીવન પ્રદાન થયું છે.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891








Total Users : 150243
Views Today : 