ગીરગઢડાના સનવાવ ગામે પોલીસનો દરોડો: વાડીના શેઢે દાટેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સનવાવ ગામ માં અનેક દેશી દારૂ ના અડ્ડોઓ ધમધમે છે તેની સામે કાર્યવાહી ક્યારે થશે ?
ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે ગીરગઢડા પોલીસ દ્વારા દારૂના ગેરકાયદેસર વેપાર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સનવાવ ગામની એક વાડીમાં દરોડો પાડી જમીનમાં ખાડો કરી છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૮,૩૦૦/- કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી એક ખેડૂત શખ્સ સામે પ્રોહિબિશન ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગીરગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સેબલ હિરેનભાઈ કિશોરભાઈ મકવાણા તથા પોલીસ સ્ટાફના હિતેશભાઈ વાઘેલા, અવિરાજસિંહ રાઠોડ અને નલીનભાઈ સોલંકી નિયમિત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે સનવાવ ગામે રામાપીર મંદિર વિસ્તારમાં રહેતા વનરાજભાઈ બોધાભાઈ ચાવડા પોતાની ધ્રાબાવડ રોડ પર આવેલી વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.આ બાતમીના આધારે પોલીસ ટીમે બે પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી હતી. વાડીમાં સઘન તપાસ દરમિયાન ખેતરના પશ્ચિમ બાજુના શેઢા પાસે માટીમાં ખાડો કરીને છુપાવેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપી પાસે આ દારૂ રાખવા અંગે કોઈપણ પ્રકારનો પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨૨ બોટલો કબ્જે કરી છે, જેમાં
• Old Monk XXX Rum – ૦૨ બોટલ (કિંમત રૂ. ૨,૬૦૦)
• Royal Stag Whisky – ૦૩ બોટલ (કિંમત રૂ. ૩,૯૦૦)
• Tag Premium Beer – ૧૦ બોટલ (કિંમત રૂ. ૨,૭૦૦)
• One More Pure Craft Vodka – ૦૩ બોટલ (કિંમત રૂ. ૪,૨૦૦)
• DSP Black Deluxe Whisky – ૦૩ બોટલ (કિંમત રૂ. ૩,૬૦૦)
• Royal Respect Premium Whisky – ૦૧ બોટલ (કિંમત રૂ. ૧,૩૦૦)
કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૧૮,૩૦૦/- થાય છે.
પોલીસે વનરાજભાઈ બોધાભાઈ ચાવડાન સામે પ્રોહિબિશન ધારાની કલમ ૬૫ (એ)(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં ગીરગઢડા પોલીસના જવાનોએ સતર્કતા દાખવી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્ક પર ત્રાટકી સફળતા મેળવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સનવાવ ગામ અને આસપાસના વિસ્તારમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. એક તરફ પોલીસ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ હજુ પણ અનેક અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ અડ્ડાઓ પર ક્યારે કડક કાર્યવાહી થશે તે બાબતે ગામલોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા






Total Users : 162164
Views Today : 