Saturday, November 23, 2024

વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ: વાવ બેઠક પર લાંબા સમય બાદ ભાજપનો કબજો, સ્વરૂપજી ઠાકોર મેળવી જીત

વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ: વાવ બેઠક પર લાંબા સમય બાદ ભાજપનો કબજો, સ્વરૂપજી ઠાકોર મેળવી જીત

 

વાવ બેઠક લાંબા સમય બાદ ભાજપે કબજે કરી છે. વાવ વિધાનસભા બેઠક પર ‘કમળ’ ખીલ્યું છે અને ‘ગુલાબ’ કરમાયું છે. કોંગ્રેસ છેલ્લે સુધી લીડમાં રહ્યું પરંતુ અંતે ભાજપે જીતનો વ્યક્ત કરેલો આશવાદ સત્ય સાબિત કરી બતાવ્યું છે. સ્વરૂપજી ઠાકોરએ દબદબાભેર જીત મેળવી છે. અંતિમ રાઉન્ડમાં 1300 લીડ સાથે સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે.

 

વટનો સવાલ કેમ રહી વાવની બેઠક

 

વાવમાં જીત એ વટનો સવાલ બની ગયો હતો. ભાજપ અને કોગ્રેસની ઉંઘ ઉડી હોય તો તેની પાછળનું કારણ અપક્ષના ઉમેદવાર હતો. ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી જોરદાર ટક્કર આપતા જોવા મળ્યા. બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ જોવા મળ્યું. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ આ બેઠક પર જીત મેળવવા માટે દરેક સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યા. ગુજરાતમાં પ્રથમ વખત કોઇ એક બેઠકની પેટા ચૂંટણી આટલી આક્રમક રીતે ભાજપ લડી રહ્યું હતું જેનું મૂળમાં ગેનીબેન ફેક્ટર હતું જે 2017થી ભાજપને એક યા બીજી બેઠક પર પરાજિત કરતા રહ્યા છે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના હેટ્રીકના પ્લાનમાં પંક્ચર પાડવાની સફળતા ગેનીબેને મેળવી હતી. આ અગાઉ 2017-2022 અને 2024 આમ ત્રણ ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા છે. વાસ્તવમાં ભાજપ પાસે બનાસ જિલ્લામાં કોઇ એવો ચહેરો નથી કે જે ગેનીબેનનો મુકાબલો કરી શકે સ્વરૂપજી ઠાકોરને અગાઉ 2022માં જ ગેનીબેને આ બેઠક પરથી હરાવ્યા હતા અને ભાજપે ફરી તેને ટીકીટ આપી છે.પરંતુ ગેનીબેનની રાજકીય તાકાત પણ દાવ પર લાગી હતી.

 

70.55 ટકા જેટલું મતદાન નોંધાયું હતું

 

 

અત્રે નોંધનીય છે કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ 1,20,619 તથા 98,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું.

 

આ બેઠકનો રાજકીય ઈતિહાસ

 

1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.

 

કોણ છે સ્વરૂપજી ઠાકોર ?

 

સ્વરૂપજી ઠાકોરએ વિધાનસભા 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા. 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15 હજાર 601 મતથી હાર્યા હતા. છેલ્લા બે વખતથી વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે પણ 2024ની લોકસભા ચૂંટણીમાં વાવ વિધાનસભા પર ભાજપને લીડ મળી હતી. 2019માં બનાસકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તેઓ 2012માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયા હતાં. 2012-2014 સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2014થી અત્યાર સુધી ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.

 

રિપોર્ટ – સંજય ગાંધી 9998829987

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores