ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકાશે.
(સંજય ગાંધી, તાપી) તા: ૨૦. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે.
જે અંતર્ગત (૧) શ્રેષ્ઠ યોગ કોઓર્ડીનેટર-રાજ્ય કક્ષા, (૨) શ્રેષ્ઠ યોગ કોચ-જિલ્લા કક્ષા અને (૩) શ્રેષ્ઠ યોગ ટ્રેનર-જિલ્લા કક્ષા એમ ત્રણ કેટેગરી માં યોગ એવોર્ડ આપવામાં આવનાર છે. આ એવોર્ડ માટે અરજી કરતી વખતે (૧) તેણે/તેણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સંકળાયેલ હોવો જોઈએ અને યોગ કોચ તથા યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ.(૨) નોમિનેશન સમયે તેણે/તેણીએ ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષમાં યોગમાં યોગદાન આપેલું હોવું જોઈએ. (૩) ઊંમરની પાત્રતા બાબતે કોઈ બાધ નથી, કોઈપણ વ્યક્તિ અરજી કરી શકશે. (૪) આ એવોર્ડ કેટેગરીવાઈઝ આજીવન માત્ર એક જ વાર મળવાપાત્ર રહેશે. (૫) સહભાગીએ તેમની સાથે ચોક્કસ અને અદ્યતન કરેલ પ્રોફાઈલ (બાયોડેટા) પુરાવા સાથે જમા કરાવવા આવશ્યક છે. (૬) અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કામના ફોટોગ્રાફ સાથેના નક્કર પુરાવાઓ સામેલ રાખવાના રહેશે. અધૂરી માહિતીવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. (૭) આ એવોર્ડ માએ કેટેગરી વાઈઝ ઉત્કૃષ્ટ કામગીરીના ફોટોગ્રાફ અને લખાણ સાથેના વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પાનાનો બાયોડેટા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નંબર ૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, તાપી ખાતે તારીખ : ૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે. (૮)અરજી ગુજરાતી, હીન્દી અને અંગ્રેજી પૈકીની કોઈપણ ભાષામાં કરવાની રહેશે. (૯) કોઈ પણ એક જ કેટેગરીમાં ભાગ લઈ શકશે. એકથી વધુ કેટેગરીમાં ભાગ લેનાર સહભાગીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે.
આ માટે વધુ માહિતી સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન આર. ગામીતની એક યાદીમાં જણાવાયું છે.