ખૂનનો ભેદ ઉકેલતી ઉના પોલીસ: અકસ્માત નહીં, સાળાએ જ કર્યું હતું બનેવીનું ખૂન!
ઉના, તા. ૨૩: જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ અને ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચનાથી ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગુનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય હકીકત બહાર લાવવા અને આરોપીઓને તાત્કાલિક પકડવા માટે ઉના પોલીસ સતત કાર્યરત છે.તાજેતરમાં ઉના પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(૧), ૧૨૫(૨) તથા એમ.વી.એક્ટ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી મીતગીરી ભરતગીરી ઉર્ફે ભારતગીરી પ્રભાતગીરી ગૌસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા ભરતગીરી ઉર્ફે ભારતગીરી પ્રભાતગીરી ગૌસ્વામીને કોઈ અજાણ્યા ઇકો ચાલકે અડફેટે લઈને મોત નીપજાવ્યું હતું. આ બનાવ શેરીના રસ્તા પર બન્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. રાણાએ ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે તેમને પ્રાથમિક તપાસમાં જ જણાયું હતું કે મૃતકના પરિવારજનો સત્ય હકીકત છુપાવી રહ્યા છે અને બનાવ કંઈક બીજો જ બન્યો છે. આથી તેમણે ગુનાની સત્યતા શોધવા માટે ઉના સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી.સર્વેલન્સ ટીમની તપાસ દરમિયાન, ટીમના ઇન્ચાર્જ એ.એસ.આઈ. શાંતિલાલ વેલાભાઈ સોલંકી અને પો.કોન્સ. અનિલભાઈ ભુપતભાઈ જાદવને બાતમી મળી હતી કે મૃતક ભરતગીરી તેમના સાળા રોહીતગીરી ઉર્ફે રીકી બાબુગીરી ગોસ્વામી સાથે તા. ૨૦/૦૪/૨૦૨૫ના રોજ કનકાઈ ફરવા ગયા હતા. ત્યાં પોતાના વડીલોના કહેવા છતાં રોહીતગીરીએ કચરો જંગલમાં ફેંક્યો હતો, જેના કારણે ભરતગીરી ગુસ્સે થઈને રિસાઈ ગયા હતા અને ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા.બાતમી મુજબ, ઉના આવ્યા બાદ રોહીતગીરીએ પોતાની મારૂતિ સુઝુકી ઇકો રજી. નંબર જી.જે. ૦૩ ઇ. કે. ૨૬૩૯ બેફામ અને પુરઝડપે ચલાવીને રોડની વચ્ચે ઉભેલા ભરતગીરીને સામેથી ટક્કર મારી હતી. ભરતગીરી રોડ પર પડી ગયા બાદ, રોહીતગીરીએ તેમને મારી નાખવાના ઇરાદે ઇકો કાર તેમની ઉપર ચલાવી દીધી હતી, જેના કારણે ભરતગીરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.આ ચોંકાવનારી હકીકત જાણ્યા બાદ ઉના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રોહીતગીરીને પકડી પાડ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપી રોહીતગીરીએ પોતાના બનેવી ભરતગીરીનું ખૂન કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે મૃતકના પરિવારજનોને સાચી હકીકત જણાવીને તેમને આશ્વાસન આપ્યું હતું. આ ઘટનામાં મૃતકના દીકરા દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ઉના પોલીસે ગણતરીના કલાકોમાં આ ખૂનના ભેદને ઉકેલવામાં સફળતા મેળવી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. રાણા અને સર્વેલન્સ ટીમની સરાહનીય કામગીરી રહી હતી.