- પાટણની એચ.એન.જી.યુ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી દારૂની બોટલો.
સોમવારે ગાંધી જંયતીના રજા દિવસે યુનિવર્સિટીમાં પાટણ જિલ્લા NSUI ટીમે બાતમીના આધારે સરપ્રાઇઝ ચેકીંગ કરતાં યુનિવર્સિટીની પહેલી કેન્ટીન આગળ જ દારું ની કેટલીક ખાલી બોટલ તથા ડિસ્પોઝેબલ ગ્લાસ, બાઈટીંગના ખાલી પડીકા મળી આવતા શિક્ષણના ધામમાં વિદેશી દારૂની મહેફિલ કોની રહેમ નજર પડે અને કોના દ્વારા કરવામાં આવતી હોય તેવા વેધક સવાલો શિક્ષણ આલમમાં જોર પકડ્યા છે તો વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસ માંથી મળી આવેલી ખાલી દારૂની બોટલો મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી યુનિવર્સિટીના સીસીટીવી તપાસી યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલ માણનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીન પાસેથી એનએસયુઆઈ દ્વારા ગાંધી જયંતીના દિવસે સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મળી આવેલી ખાલી દારૂની બોટલ મામલે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાટણની યુનિવર્સિટી ભ્રષ્ટાચાર નો અડ્ડો બની છે. યુનિવર્સિટીના સત્તાધીશો અને કેટલાક કારોબારી સભ્યોની મિલી ભગતને લઈને અવારનવાર યુનિવર્સિટી ચર્ચા ના ચગડોળે ચડવા પામી છે.
યુનિવર્સિટીમાં ગુણ કૌભાંડ મામલે તપાસ ટીમ દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટ ને લઈ યુનિવર્સિટીના સત્તાધિશો સામે શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા પગલાં નહિ ભરી ને યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. જેના કારણે યુનિવર્સિટીના સત્તાધીશો અને કેટલાક કારોબારી સભ્યો યુનિવર્સિટીમાં મન ફાવે તેમ પોતાની ભ્રષ્ટાચારની વૃત્તિને વેગ આપી રહ્યા છે. ત્યારે શિક્ષણના ધામમાં ગાંધી જયંતીના પવિત્ર દિવસે જ મળી આવેલી ખાલી દારૂની બોટલો ના મામલે તેઓએ યુનિવર્સિટીના કુલપતિ સહિત રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ શરમ અનુભવી રાજીનામાં આપી દેવા જોઈએ તેવી માગ તેઓએ કરી આ મામલે તટસ્થ પણે તપાસ કરવામા આવે તેવું જણાવ્યું હતું.તો આ મામલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ નો ટેલીફોનિક સંપર્ક કરી માહિતી મેળવતા તેઓ પોતે હાલમાં નાગપુર એક મીટીંગ મા હોવાનું જણાવી આ મામલે યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટારને યુનિવર્સિટી કેમ્પસ માંથી મળી આવેલી ખાલી દારૂની બોટલો મામલે યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ તપાસી યુનિવર્સિટીને બદનામ કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં પણ જાણ કરવા તેઓ દ્વારા સુચના આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ