ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજનને લઈને ભારે ઉહાપોહ થઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આઈસીસી સામસામે છે. પીસીબીનું કહેવું છે કે તે આ ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડ અંતર્ગત નહીં કરે. જ્યારે આઈસીસીએ તેને કડક શબ્દોમાં કહ્યું છે કે, જો તે એવું નહીં કરે તો તેના મોટું નુકસાન સહન કરવા તૈયાર રહેવું પડશે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની પાકિસ્તાન પાસેથી આંચકી લેવામાં આવે તો પીસીબીને કરોડો રૂપિયાનું નુકસાન થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વાર્ષિક આવકમાં ભારે કાપ મૂકાઈ શકે છે. એવામાં પાકિસ્તાને જીદ્દ છોડીને આઈસીસીની વાત માની લેવી જોઈએ અને હાઇબ્રિડ મોડલ પર રમવું જોઈએ.
સૂત્રો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં આપસી અણબનાવનો મામલે સામે આવ્યો છે. પીસીબીના કેટલાક વરિષ્ઠ અધિકારી ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલ પર યોજવા માટે તૈયાર છે. જ્યારે કેટલાક એવા પણ છે જે તેના માટે રાજી નથી. પરંતુ આઈસીસીએ જે રીતે પીસીબીને ફટકાર લગાવી છે તેને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડ માટે તૈયાર થઈ જશે. એવામાં ભારતીય ટીમ પોતાની મેચ દુબઈમાં રમી શકે છે. જો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી આંચકી લેવામાં આવે તો આ ટુર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં પીસીબીને 60 લાખ ડોલર એટલે કે આશરે 50.73 કરોડનું નુકસાન થઈ શકે છે. પીસીબીની વાર્ષિક આવકમાં પણ આશરે 296 કરોડનું નુકસાન થઈ શકે.
અહેવાલ – સંજય ગાંધી