આદિજાતિ વિસ્તાર વિજયનગરની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની વિજેતા નિરમા અસારીની ખેલ મહાકુંભમાં જોડાવા અપીલ
ખેલ મહાકુંભના માધ્યમ થકી હું રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મેળવી શકી છું. – નિરમા અસારી
નિરમા અસારીએ લાંબીકૂદ રમતમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા છે
*ખેલ મહાકુંભમાં આગામી ૨૫ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે*
***
સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ દ્રારા છેલ્લા ૧૦ વર્ષથી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે અવસરનુ આંગણું મળ્યું છે. જેનો ભરપુર લાભ સાબરકાંઠાના ખેલાડીઓ લઈ રહ્યા છે અને રાષ્ટ્રકક્ષાએ સાબરકાંઠાને ગૌરવ અપાવી રહ્યા છે.
સાબરકાંઠાના વિજયનગરના એક નાનકડા ગામ ભાંખરાના ખેડૂત ભુરાભાઇ અસારીની દિકરી નિરમાએ લાંબી કુદમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, નેશનલ એથ્લેટીક સ્કૂલ ગેમ્સ,ખેલ મહાકુંભ,અંડર ૨૦ ફેડરેશન કપ સહિત રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
નિરમા અસારી જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષથી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે રહીને અભ્યાસની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ સાહસ કેળવ્યુ છે. પિતા ભાંખરા ગામે ખેતી કરે છે. શરૂઆતનો અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાં કર્યો.માધ્યમિકના અભ્યાસ દરમિયાન શાળામાં ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ખેલ મહાકુંભમાં વિજેતા થતા ડિએલએસએસમાં પસંદગી થઈ. છેલ્લા પાંચ વર્ષથી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગરમાં છું.અહિંયા રહીને જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઈને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા છે.
નિરમા અસારી વધુમાં જણાવે છે કે હું આદિજાતી વિસ્તાર એવા વિજયનગરની રહેવાસી છું. ખેલ મહાકુંભના માધ્યમ થકી જ ગ્રામિણ વિસ્તાર થી છેક રાષ્ટ્રીય સ્તરે રમત ગમત ક્ષેત્રે સાહસ કેળવી શકી છું. રમત ગમત ક્ષેત્રે પ્રથમ પગથિયુ ખેલ મહાકુંભ છે. ખેલ મહાકુંભના પગથિયેથી હું છે નેશનલ સુધી પહોંચી છું. હાલમાં સરકાર દ્વારા ખેલ મહાકુંભ-૩ નું રજીસ્ટ્રેશન આગામી ૨૫ ડિસેમ્બર સુધી થવાનું છે. જિલ્લામાં વધુમાં વધુ વિધ્યાર્થીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રજીસ્ટ્રેશન કરાવે અને રમત ગમત થકી દેશનું નામ રોશન કરે તેવી અપીલ કરી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891