વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ.
રૂ.૮૧૫.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં ૨૦૦ દીકરીઓ રહી શકે સહિત અનેક સુવિધાઓ ઉભી કરાઈ
શિક્ષણ એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ:-અધ્યક્ષશ્રી શંકરભાઈ
વિદ્યાર્થીઓને માતૃ,પિતૃ તથા અતિથિ દેવો ભવ:ના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ અપાય તે જરૂરી, વ્યસનમુક્તિ તરફ સમાજના લોકો આગળ આવે તે જરૂરી:-અધ્યક્ષશ્રી શંકરભાઈ
___________
(બ્યુરો રિપોર્ટ,પાલનપુર)
સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂ. ૮૧૫.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એક સાથે ૨૦૦ વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે.
લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે છે તે મુજબની આજે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. છેવાડાના ગામની દીકરીઓ આજે ડોકટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે. તેમણે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાનશ્રીએ હર હંમેશા દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે. વડાપ્રધાનશ્રીએ સરહદી જિલ્લા બનાસકાંઠાને શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી છે.
તેમણે કહ્યું કે, શિક્ષણ એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે. ઋષિઓની પરંપરા ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે. યોગ, ધ્યાનથી લઈને શારીરિક કૌશલ્ય શીખવાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: તથા અતિથિ દેવો ભવ: ના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ આપવામાં આવે તે જરૂરી છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ લોકો આગળ આવે તથા તેને એક અભિયાન રૂપે આગળ વધારવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિધાલયમાં અભ્યાસ કરેલ વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિનુભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેનશ્રી બાબરાભાઈ ચૌધરી,મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અગ્રણીશ્રી ડી.ડી.રાજપૂત,શ્રી વિજય ચક્રવર્તી, શ્રી રૂપશીભાઈ પટેલ, ખેડૂત અગ્રણીશ્રી મદન પટેલ, એ.પી.એમ.સી થરાદના ડાયરેકટરશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.