ડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના સયુંક્ત ઉપક્રમે ‘વીજ સલામતી’ સેમીનાર યોજાયો
સંજય ગાંધી, તાપી તા.૧૧
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યારા ખાતે બે દિવસીય ‘સલામતી તાલીમ’નો ઉદ્ઘાટન સમારોહ તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને સામાન્ય જનતામાં વિદ્યુત સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને દુર્ઘટનાઓને ઘટાડવા માટે સાવચેત રહેવાની પ્રેરણા આપવાનો હતો.
આ પ્રંસંગે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગે ઉપસ્થિત ડીજીવીસીએલના કર્મચારીઓને સંબોધતા જણાવ્યું “વિદ્યુત સુરક્ષા દરેક વ્યક્તિ માટે અગત્યની છે. યોગ્ય જ્ઞાન અને સાવધાની દ્વારા દુર્ઘટનાઓ ટાળી શકાય છે. આ સેમિનાર કર્મચારીઓની સલામતીના મહત્વ અંગે જાગૃતિ લાવશે અને તેમને સલામતીના મજબૂત પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરશે.”એમ ઉમેર્યું હતું.
વધુંમાં ઉમેર્યું હતું કે, તાપીમાં પીવીટીજીના વીજળીથી વંચિત હાઉસહોલ્ડ નાગરીકોને વિજપુરવઠો પુરો પાડવામાં તાપી જિલ્લાએ સો ટકા સિદ્ધી હાસલ કરી છે. ત્યારે તમામ ડીજીવીસીએલના અધિકારી કર્મચારીઓને કલેકટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે ડીજીવીસીએલ દર વર્ષે કર્મયોગીઓ માટે સલામતી બાબતે વાર્ષિક બે તાલીમો યોજી વિવિધ માર્ગદર્શન પુરું પાડે છે. ત્યારે સલામતિના તમામ ધારાધોરણોનું ચુસ્તપણે પાલન કરી કાયમી ધોરણે સેફ્ટીના સાધનો વાપરવા અને તકેદારી રાખવા અંગે અનુરોધ કર્યો હતો.
વધુંમાં જિલ્લા વિકાસ અધિકારીઓ જણાવ્યું હતું કે ડીજીવીસીએલ છેલ્લા પાંચ વર્ષથી એ-પ્લસ ગ્રેડ સાથે સમગ્ર ભારતમાં તમામ પબ્લીક સેકટર યુટિલીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતી આવે છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. સુરત (ગ્રામ્ય વર્તુળ)ના અધિક્ષક ઇજનેર ડી.સી મહાલાએ ડીજીવીસીએલના લાઇન સ્ટાફ મિત્રોને માર્ગદર્શન પુરું પાડતા જણવ્યું હતું કે, સલામતી જાળવવીએ આપણી પ્રાથમિક જવાબદારી છે. આપણી સલામતીએ આપણા પરિવારની સલામતિ છે. કર્મચારીઓ ઘણી વખત પોતાની સલામતી ભુલી જતા હોય છે ત્યારે એ યાદ કરાવવા અને પોતાની સલામતી જાળવતા થાય તે માટે આવા વિવિધ કર્યક્રમો યોજવામાં આવે છે.
કાર્યક્રમમાં વ્યારા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રી બી.પી ગોહિલે પ્રાંસગિક ઉદ્દબોધન દ્વારા સૌને આવકારી લેતા ડીજીવીસીએલ વ્યારા અને બારડોલી વિભાગીય કચેરીની કામગીરીની સરાહના કરી હતી.
આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મયોગીઓને સાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજના સલામતી સેમીનારમાં ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના હિનાબેન, મેડિકલ ઇમર્જંન્સીના નિષ્ણાંત ડો. નિતાબેન શાહ દ્વારા સલામતી અંગે વિવિધ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓના સલામતી અંગેના પ્રશ્નોની ચર્ચા ઉપસ્થિત અધિકારીઓ તથા ફેકલ્ટીઓ સાથે કરવામાં આવી હતી અને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ સેમિનાર વિદ્યુત સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ રહ્યો, અને તે કર્મચારીઓ અને સંસ્થાના દરેક સ્તરના લોકોએ સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમમાં બારડોલી વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રી આર.એમ ચૌધરી તેમજ ડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના અધિકારી-કર્મચારીઓઓ ઉપસ્થિત રહ્યા હતા.