બંધારપાડા-આરોગ્યકેન્દ્ર દ્વારા બાળકોમાં તમાકુ વિરોધી બાબતો વિષે માર્ગદર્શન સેમીનાર આયોજિત કરવામાં આવ્યો
સંજય ગાંધી દ્વારા, તાપી, તા.૧૭
સોનગઢ તાલુકાના ખરસી અને દેવલપાડા શાળાના બાળકો માટે બંધારપાડા- PHC અને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ-તાપી દ્વારા તમાકુ વિરોધી આઈ.ઈ.સી અભિયાન હેઠળ તમાકુના દુષણ અંગે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા, ખરસી-૧ ખાતે ૨૭૬ જેટલા વિદ્યાર્થીઓ અને શ્રીમાધવ વનવાસી આશ્રમશાળા-દેવલપાડા ખાતે ૧૭૪ જેટલા વિદ્યાર્થીઓને આ અંગે જાગૃતિ સેમિનારમાં શામેલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-બંધારપાડાના CHO શ્રીતૃપલભાઈ ચૌધરી અને MPHW શ્રીધર્મેશભાઇ અને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના શ્રી ભરતકુમાર ગામીત અને શ્રી જિજ્ઞાસા ચૌધરી દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ માટે આ સેમીનાર આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે તમાકુના વ્યસન તરફ જતા કઈ રીતે અટકવું તેમજ અન્ય પરિવારનાં સભ્યોને આપણે તમાકુના વ્યસનથી અટકાવવા જોઈએ તમાકુ પ્રતિબંધ શું છે આ વિષે વિગતવાર સમજ આપવામાં આવી હતી. ઉપરાંત તમાકુનાં વ્યસનથી થતાં શારિરિક, આર્થિક અને સામાજીક નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યાં. “તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩” નાં કાયદા બાબતે જાગૃતિ આવે એ હેતુસર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શાળાઓમાં તમાકુ નિષેધ વિષયક વકતૃત્વ સ્પર્ધાના વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. તમાકુ નિષેધ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સેમિનારને અંતે શાળાની આસપાસ દુકાનદારોને COTPA-2003 ની કલમ ૬-બનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.