અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ….. અન્યને સુખી કરશો, તો તમે પણ સુખી બનશો….નો જીવન મંત્ર
સેવા, સાદગી, સમર્પણનો ત્રિવેણી સંગમ એટલે સુરેશભાઈ સોની
માતા-પિતાના પાંચમા સંતાન, એમ.એસ.સી. ગોલ્ડ મેડાલિસ્ટ, પ્રોફેસરની નોકરી છોડી છેલ્લા ૫૪ વર્ષથી કુષ્ઠરોગીઓની સેવાનો ભેખ ધારણ કરનાર નોખી માટીના માનવી એટલે સુરેશભાઇ સોની
૩૬ વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી ૧૦૦૦ થી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થામાં ૧૦૫૪ લોકો વસે છે. સમાજ પરિવાર દ્વારા તડછોડાયેલા કુષ્ઠ રોગી, મંદબુદ્ધિના લોકોનું આશ્રય સ્થાન એટલે સહયોગ સંસ્થા.
અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ….. આ સહયોગ સંસ્થાના સ્થાપક એટલે સુરેશભાઇ સોની. જેમણી સેવાને સન્માનિત કરવા માટે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ સન્માન જાહેર થયા જેમાં એક નામ સામાજિક સેવક એવા સુરેશભાઇ સોની જેમણે પધ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. જેની જાણ થતા જ સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઇ છે. 
હાલમાં સુરેશભાઇ સોનીની તબીયત નાદુરસ્ત છે ત્યારે તેમના ધર્મપત્નિ શ્રીમતિ ઇંદિરાબેન સોની જણાવે છે કે, ૧૯૬૬માં વડોદરામાં ઝુંપડપટ્ટીમાં કુષ્ટ રોગીઓની સેવા શરૂ કરી ૧૯૭૦માં શ્રમ મંદિરમાં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ ૧૯૮૮માં વડોદરાથી સાબરકાંઠા જિલ્લામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી છે.
હિંમતનગર નજીક આવેલા રાજેન્દ્રનગર પાસે ૩૧ એકર જમીન દાન આપનાર રામુભાઇ પટેલ અને નડીયાદના સંતરામ મહરાજના સહયોગ થી શરૂ કરાયેલ સેવા યજ્ઞ એટલે સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થા. આ સેવા યજ્ઞમાં તેમના પત્ની ઇન્દીરાબેન સોની પહેલા દિવસથી પડછાયાની જેમ જોડાયેલા છે. આજે સમાજ સેવાને ૫૪ વર્ષ જેટલો સમય થયો છે. હાલ સુરેશ સોની ૮૦ વર્ષની વય ધરાવે છે
સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી ૪૦૦ જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. મંદબુદ્ધિના ૨૫૦ જેટલા ૧૮ વર્ષથી મોટી ઉમરના ભાઈઓને રાખવામાં આવે છે. તેમજ ૮ વરસથી મોટી ઉમરની ૧૮૬ દીકરીઓ અહી રહે છે. માનસિક બીમાર ભાઈઓ અને બહેનોને રાખીને દવા કરાવવામાં આવે છે સારા થાય છે ત્યારબાદ તેમને તેમના ઘરે મુકવામાં આવે છે. સુરેશભાઈએ ક્યારે પદ્મશ્રી મળે તેવી આશા રાખી નથી.સુરેશભાઈની તબિયત નાદુરસ્ત છે. છેલ્લા બે મહિનાથી જમવાનું બંધ છે. માત્ર લીક્વીડ પર હોવાને લઈને અશક્ત છે જેને લઈને બેડ રેસ્ટ પર છે. દવા ચાલી રહી છે. સુરેશભાઇ આ સંસ્થામાં પોતાના લોકો વચ્ચે મૃત્યુ ઇચ્છે છે માટે છેલ્લા છ માસ થી આ સંસ્થાની બહાર નિકળ્યા નથી.
સુરેશભાઇ વિશે જણાવતા તેમના પત્નિ ગૌરવભેર કહે છે કે, સુરેશભાઇ માતા-પિતાના પાંચમા સંતાન છે. તેમણે એમ.એસ.સી. ગોલ્ડ મેડાલિસ્ટ થઈ પ્રોફેસરની નોકરી શરૂ કરી હતી. પરંતુ બાળપણમાં પોતાના માતા-પિતા અને ગુરુ શ્રી જોષી સાહેબ દ્રારા મળેલા સંસ્કારો અને લોકસેવાની ભાવનાએ પ્રોફેસરની નોકરી છોડી સમાજ સેવાની શરૂઆત કરી હતી. ગાંધી વિચારોને વરેલા સુરેશભાઇએ ક્યારે પાછુ વળી જોયુ નથી. સત્કાર્યો માટે ક્યારે કોઇની સામે હાથ ફેલાવો પડ્યો નથી. દાનવીરો સામેથી દાન આપે છે. આ સંસ્થા માટે દાન આપનાર આ સેવામાં કોઇ ને કોઇ રીતે મદદ કરનાર સૌ મિત્રો, પરીજનો શુભ ચિંતકોનો તેઓ આજે ખુબ ખુબ આભાર માની રહ્યા છે.
સુરેશભાઈ સોનીને પદ્મશ્રી આપવાની જાહેરાત થયા સુરેશભાઈ અને તેમના પરીજનોએ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
અત્યાર સુધીમાં આ સંસ્થાને અને સુરેશભાઇને તેમની સેવા બદલ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના ૬૪ જેટલા એવોર્ડ મળ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ શ્રી ડો. એ.પી.જે.અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન શ્રી મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર શ્રી સુરેશભાઇને સાંપડ્યો છે.
ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો ઉપર સફેદ શર્ટ પગમાં સ્લિપર ચહેરા પર સ્મિત, સાદગી ,સેવા, સંયમ સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઇ ખરેખર નોખી માટીના માનવી છે. જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાશ પાથર્યો છે. જેમણે સ્વ જનો એ ધુતકાર્યા છે. તેમની સ્વથી વધુ સેવા કરનાર એટલે સુરેશભાઇ….. વંદન છે આ સેવાના ભેખધારી નોખી માટીના માનવીને જેમણે આપણા ઉમાશંકર જોષીની કાવ્ય પંક્તિઓને સાર્થક કરી છે.
“વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની”
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145737
Views Today : 