ગીર સોમનાથ: કોડીનારના કંટાળા ગામે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું કંટાળા ગામ સામાજિક સદ્ભાવ અને સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને ઉભર્યું છે. “એક છીએ નેક છીએ, સૌ હિન્દના સંતાન હિન્દુ છીએ” ના નાદ સાથે, આ ગામે ગુજરાતમાં સદ્ભાવ કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે.
ભારતીય મૂલ્યોનું પ્રતિબિંબ જ્યાં આંતરિક અને બાહ્ય શક્તિઓ દ્વારા સમાજને તોડવાના પ્રયાસો થયા છે, ત્યાં કંટાળા ગામે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને સામાજિક નૈતિક સિદ્ધાંતોને જીવંત રાખ્યા છે. પરિણામે, સમાજમાં શાંતિ, સલામતી, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહી છે.કોડીનાર: સમરસ જીવનશૈલીનું પ્રતિક ગુજરાત રાજ્યના ૨૫૦ તાલુકાઓ પૈકી એક કોડીનાર તાલુકો એક અલગ અને આગવી સામાજિક સમરસ જીવનશૈલી ધરાવે છે. અહીં સર્વ સમાજ વર્ષોથી હળીમળીને એક સંપથી રહે છે. કંટાળા ગામમાં આજદિન સુધી ક્યારેય કોઈ સમાજ સમાજ વચ્ચે સંઘર્ષ કે ઝઘડા જોવા મળ્યા નથી, જે તેને સામાજિક સુમેળનું શ્રેષ્ઠ ગામ બનાવે છે.રામદેવજી મહારાજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: એકતાનો પ્રતિક તાજેતરમાં, કંટાળા ગામે રામદેવજી મહારાજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સર્વ સનાતની હિન્દુ સમાજ દ્વારા સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા સહિત અન્ય સામાજિક અગ્રણીઓએ પણ ભાગ લીધો હતો, જે આ ગામની એકતા અને સમરસતાનું પ્રતીક બન્યો હતો. કંટાળા ગામની આ એકતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.