સનવાવ-આલીદર પુલ પર રેલિંગના અભાવે જોખમ: ગ્રામજનો તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માગ
ગીર ગઢડા:સનવાવ અને આલીદર ગામને જોડતા રૂપેણ નદી પરના પુલ પર રેલિંગ ન હોવાને કારણે સ્થાનિકો, વાહનચાલકો અને પશુઓ માટે ગંભીર સમસ્યાઓ અને જોખમો ઉભા થયા છે. આ પુલ પરનું કામ નબળું હોવાને કારણે તેમજ પુલના હજુ થોડા વર્ષ થયા ત્યાં એક બાજુ બેઠી ગઈ છે અને એક બાજુના ભાગમાં સતત ધોવાણ થઈ રહ્યું છે, જે પુલની મજબૂતી અને સલામતી પર સવાલો ઉભા કરે છે.ચોમાસામાં વધતું જોખમ:ચોમાસા દરમિયાન રૂપેણ નદીમાં પાણીનો પ્રવાહ વધે છે ત્યારે પુલ પર રેલિંગ ન હોવાને કારણે પરિસ્થિતિ વધુ જોખમી બને છે. નદીના ઘોડાપૂર અથવા સામાન્ય પાણી પણ પુલ પરથી પસાર થાય છે, ત્યારે ત્યાંથી પસાર થતા પશુઓ નદીના પ્રવાહમાં તણાઈ જવાનો ભય રહે છે. આ ઉપરાંત, રાત્રિના સમયે અથવા ઓછી વિઝિબિલિટી હોય ત્યારે વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.ગ્રામજનોની તાત્કાલિક માંગ સનવાવ ગામના લોકો લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પુલ પર તાત્કાલિક ધોરણે મજબૂત રેલિંગ લગાવવામાં આવે જેથી રાહદારીઓ, વાહનચાલકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત થઈ શકે.ધોવાણ અટકાવવું: પુલના જે ભાગમાં પાણીના કારણે સતત ધોવાણ થઈ રહ્યું છે ત્યાં સિમેન્ટ-કોંક્રિટનું કામ કરીને પુલને ફરીથી મજબૂત બનાવવામાં આવે.ભ્રષ્ટાચારના આક્ષેપો અને તપાસની માંગ:ગ્રામજનોમાં એ પણ ચર્ચાનો વિષય બન્યો છે કે શું કોન્ટ્રાક્ટર દ્વારા પુલ પર રેલિંગ લગાવ્યા વગર જ તેનું બિલ પાસ કરાવી લેવામાં આવ્યું છે? જો આખો પુલ પાસ થયો હતો, તો શા માટે એક બાજુ ફક્ત માટી નાખવામાં આવી અને બાકીનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું? આ બાબતને લઈને ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા