બનાસકાંઠામાં નશાનો નાશ: દાંતા વિભાગના 35
- ગુનાઓના 85 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યું, 24,771 દારૂની બોટલોનો નાશ.
બનાસકાંઠા જિલ્લાના દાંતા વિભાગમાં પ્રતિબંધિત દારૂની ઘુસણખોરી અટકાવવાના પ્રયાસો અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માર્ચથી જૂન 2025 દરમિયાન દાંતા ડિવિઝનના અમીરગઢ, અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર પ્રોહિબિશન મુદ્દામાલનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાંતા, અધિક્ષક નશાબંધી અને આબકારી બનાસકાંઠા પાલનપુર તેમજ અમીરગઢ, અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં આ કાર્યવાહી થઈ. નામદાર કોર્ટના હુકમ અનુસાર કુલ 35 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
30 જુલાઈ 2025ના રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાંતાના હુકમ અનુસાર કુલ 24,771 નાની-મોટી બોટલો અને બિયરના ટીન સહિત કુલ 85,21,023 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલીકરણના ભાગરૂપે કરવામાં આવી હતી. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર