ઉના નજીક નવાબંદર ખાતે આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ, મહિલાની હાલત ગંભીર
ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા નવાબંદર વિસ્તારમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ત્રણથી વધુ નરાધમોએ એક આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુષ્કર્મની ઘટના આશરે ત્રણ દિવસ પહેલા નવાબંદર દરિયા કિનારાના વિસ્તારમાં બની હતી. નરાધમોએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી તેને ફોસલાવીને ત્યાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું.સામૂહિક દુષ્કર્મની આ ઘટનામાં ક્રૂરતાની હદ વટાવતા આરોપીઓએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચાડી હતી. આ ગંભીર ઇજાઓ અને અસહ્ય પીડાને કારણે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને જ પીડાતી રહી હતી.જ્યારે ત્રીજા દિવસે મહિલાની તબિયત વધુ લથડી અને હાલત ગંભીર બની, ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તાત્કાલિક અસરથી મહિલાને સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તેની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ ખસેડવામાં આવી છે.આ ગંભીર ગુનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દુષ્કર્મ આચરનારા ત્રણથી વધુ આરોપીઓ ને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સઘન તપાસ ચાલી રહી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા