નવાબંદર મરીન પોલીસે ૫૬ લાખથી વધુના દારૂ કેસમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો
ગીર સોમનાથ જિલ્લાની નવાબંદર મરીન પોલીસે ગત તા. ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો રૂ. ૫૬,૧૭,૩૬૦/- ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કુલ ૧૩૫૦૦ બોટલો/બિયર ટીન એક બોટ સાથે પકડી પાડ્યો હતો. આ ગુન્હામાં ૯ આરોપીઓ અને એક કિશોર પકડાયા હતા.
ગુન્હાની તપાસ દરમિયાન, પકડાયેલા આરોપીઓ પૈકી એક મુખ્ય આરોપી – વિશાલભાઈ મહેશભાઈ પટેલે પોલીસ રિમાન્ડમાં કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો રોનક લાલજીભાઈ ટંડેલ રહે. દાંડી ગામ, વલસાડ એ પૂરો પાડ્યો હતો.આ માહિતીના આધારે, જુનાગઢ રેન્જ આઇ.જી.પી., ગીર સોમનાથ પોલીસ અધિક્ષક અને ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ નવાબંદર મરીન પોલીસની ટીમે ટેકનિકલ ડેટા એનાલિસિસ કરીને વલસાડ ખાતેથી મુખ્ય આરોપી રોનક લાલજીભાઈ ટંડેલ રહે. દાંડી ગામ, વલસાડ ને પકડી પાડ્યો છે.પૂછપરછમાં રોનક ટંડેલે દારૂનો જથ્થો વિશાલભાઈ પટેલને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. રોનક ટંડેલનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં તેના પર પ્રોહીબિશન એક્ટ હેઠળના અનેક ગુન્હાઓ અગાઉ દાખલ થયેલા છે. પોલીસે રોનક ટંડેલની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા