>
Thursday, October 16, 2025

બિન-ઉપયોગી સેગ્રીકેશન શેડ: ઊનાના સીમાસી ગામે ‘સ્વચ્છ ભારત મિશન’ના ઉદ્દેશ પર સવાલ, બહાર કચરાના પહાડોનું સામ્રાજ્ય

બિન-ઉપયોગી સેગ્રીકેશન શેડ: ઊનાના સીમાસી ગામે ‘સ્વચ્છ ભારત મિશન’ના ઉદ્દેશ પર સવાલ, બહાર કચરાના પહાડોનું સામ્રાજ્ય

 

ઊના તાલુકાના સીમાસી ગામે ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન રૂ. ૩,૪૪,૮૦૦ના સરકારી ખર્ચે બનાવવામાં આવેલો સેગ્રીકેશન શેડ હાલમાં તંત્રની બેદરકારીને કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. આ શેડના બિન-ઉપયોગી રહેવાને કારણે તેની બહાર કચરાના ઢગલાઓનું સામ્રાજ્ય જામ્યું છે, જે ગામલોકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

૩.૪૪ લાખના ખર્ચે બનેલો શેડ ધૂળ ખાય છે, બહાર કચરાના પહાડ:પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલના ઉદ્દેશ્યથી લાખો રૂપિયાના ખર્ચે આ અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી હતી. જોકે, નિર્માણ કાર્ય પૂર્ણ થયાના લાંબા સમય બાદ પણ આજદિન સુધી આ સેગ્રીકેશન શેડનો કોઈ જ ઉપયોગ થયો હોય તેવું નજરે પડતું નથી. જવાબદાર તંત્ર દ્વારા આ શેડની યોગ્ય નિભાવણી અને સંચાલન કરવામાં સદંતર નિષ્ફળતા મળી છે, જેના પરિણામે કચરો શેડની અંદર જવાને બદલે તેની બહાર રોડની નજીક ફેંકવામાં આવી રહ્યો છે.શેડની બહાર જમા થયેલા કચરાના વિશાળ પહાડોને કારણે આરોગ્યલક્ષી અને પર્યાવરણીય સમસ્યાઓ ઊભી થઈ છે. કચરાના આ ઢગલાઓ પર મચ્છરો, જીવ-જંતુઓ અને અન્ય રોગજન્ય કીટાણુઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ગામમાં મચ્છરજન્ય રોગો ફેલાવવાનો ભય તોળાઈ રહ્યો છે.

આ ઉપરાંત, આ કચરાના ઢગલાઓ પર મરઘીઓના માંસના અવશેષો નું કટિંગ કરીને પણ કચરો ત્યાં જ ફેંકવામાં આવે છે. ગામની નજીક જ કચરો જમા થતો હોવાથી તેની ગંધ અને વેસ્ટના કારણે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ પણ આટાફેરા મારતા જોવા મળે છે. વન્ય પ્રાણીઓની સતત અવરજવરને કારણે ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.લાખો રૂપિયાના સરકારી ખર્ચે તૈયાર થયેલી સુવિધા જો ઉપયોગમાં જ ન આવે તો તેનો હેતુ નિષ્ફળ જાય છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો છે, પરંતુ સીમાસી ગામની આ સ્થિતિ આ મિશનના અમલીકરણ પર ગંભીર સવાલો ઊભા કરે છે. ગામલોકોમાં રોષ છે કે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે અને તેમની સ્વચ્છતાની સમસ્યા હલ થવાને બદલે વધુ વકરી રહી છે.હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા કે તાલુકાનું જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યાને ક્યારે ધ્યાને લે છે, આ સેગ્રીકેશન શેડનો યોગ્ય ઉપયોગ શરૂ કરાવે છે અને ગામને કચરાના આ પહાડોમાંથી મુક્તિ અપાવે છે

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores