>
Saturday, November 1, 2025

ગીર ગઢડા મામલતદારને આવેદન: કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર માટે ગીર ગઢડા સરપંચ યુનિયનનું આવેદન: સર્વેનો બહિષ્કાર

ગીર ગઢડા મામલતદારને આવેદન: કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર માટે ગીર ગઢડા સરપંચ યુનિયનનું આવેદન: સર્વેનો બહિષ્કાર

 

ગીર ગઢડા: તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ ને કારણે ગીર ગઢડા તાલુકાના ખેડૂતોને થયેલા ભારે નુકસાનના વળતર મુદ્દે સરપંચ યુનિયન ગીર ગઢડા દ્વારા સરકારમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. યુનિયને પાક નુકસાનીના સર્વેની વર્તમાન પદ્ધતિનો સખત વિરોધ કરીને તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે, અને તાત્કાલિક ધોરણે સર્વે કર્યા વિના તમામ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, કમોસમી વરસાદના કારણે ગીર ગઢડા તાલુકાના તમામ ગામોમાં ખેતીના ખરીફ પાકો તેમજ બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.સરપંચોએ વ્યથા વ્યક્ત કરી છે કે કુદરતના કહેરથી “ખેડૂતના મોઢેથી મોમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો છે”. સરકારશ્રી દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ સરપંચ યુનિયનનો આક્ષેપ છે કે આ આદેશની જોગવાઈઓ મુજબ સર્વે થશે તો લગભગ માત્ર ૧૦% જેટલા ખેડૂતોને જ સહાય મળવાપાત્ર થશે, જ્યારે બાકીના મોટાભાગના ખેડૂતોને અન્યાય થશે.આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, આવેદન આપનારા દરેક ગામના સરપંચોએ ખેડૂતોના રોષને ધ્યાને લઈને હાલમાં ચાલી રહેલા સર્વેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. યુનિયને સરકારશ્રીને વિનંતી કરી છે કે જગતના તાતની વ્યથાને પ્રાધાન્ય આપીને, કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર તમામ ખેડૂતો માટે (બાગાયતી પાકો સહિત) રાહત પેકેજ જાહેર કરવામાં આવે.તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ ગંભીરતાને ધ્યાને લઈ વહેલી તકે સર્વેની કામગીરી અટકાવી દેવામાં આવે. ગીર ગઢડા તાલુકામાં મોટી સંખ્યામાં પશુપાલકો પણ વસે છે. આવેદનપત્રમાં પશુપાલકોની સમસ્યા પણ રજૂ કરવામાં આવી છે.કમોસમી માવઠાના કારણે પશુપાલકોનો ઘાસચારો પણ પલળી ગયો છે અને તેમને પણ મોટું નુકસાન થયું છે. આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા યુનિયને વિનંતી કરી છે.

સરપંચ યુનિયન ગીર ગઢડા દ્વારા આવેદનપત્ર પાઠવીને તંત્ર સમક્ષ ખેડૂતો અને પશુપાલકોની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને વહેલી તકે યોગ્ય રાહત જાહેર થાય તેવી આશા વ્યક્ત કરી છે. આ મામલે સરકાર હવે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેલી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores