સાબરકાંઠામાં ‘સરદાર @ ૧૫૦’ નિમિત્તે જિલ્લા કક્ષાની ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ
મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ યુનિટી માર્ચને ‘આત્મનિર્ભર ભારત’ની દિશાનું પગલું ગણાવ્યું
૨૦૨૫ એ ઐતિહાસિક ત્રિવેણી સંગમનું વર્ષ: સરદાર પટેલ, બિરસા મુંડા અને ‘વંદે માતરમ્’ના ૧૫૦ વર્ષની ઉજવણી

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે યુનિટી માર્ચને સંબોધતા જણાવ્યું હતું કે, આ યુનિટી માર્ચ માત્ર પ્રતીકાત્મક પગલું નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક મજબૂત સંકલ્પ છે. મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૫ને ઐતિહાસિક ત્રિવેણી સંગમનું વર્ષ ગણાવ્યું, કારણ કે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ, રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના ૧૫૦ વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિનો શુભ સંયોગ રચાયો છે.
મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના અવિશ્વસનીય યોગદાનને કારણે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાય છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૮૨ મીટર ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવીને સરદાર સાહેબને આપેલી સાચી શ્રદ્ધાંજલિને બિરદાવી હતી. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કલમ ૩૭૦ હટાવીને બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલના એક ભારતના સ્વપ્નને પૂરું કર્યું છે. તેમણે અખંડ ભારતના નિર્માણમાં સહકાર આપનાર દેશી રજવાડાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌને ભારતની એકતાની રક્ષા કરવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કરતા તેમણે ઉમેર્યું હતું કે ૨૦૪૭માં ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવા મક્કમ મનથી સૌ સહભાગી બનીએ એ જ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે.

સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરી, સૌને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ભાગીદાર થવા આહવાન કર્યું હતું.
ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સંસ્કૃતિને ઓળખનાર વડાપ્રધાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા ‘યુનિટી માર્ચ’ના આયોજન થકી સરદારના યોગદાનને ઘર ઘર સુધી પહોંચાડી સાચું સન્માન આપવાનું શ્રેય સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે.
મુખ્ય વક્તા શ્રી કનુભાઈ રવજીભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, સરદારે પોતાની કુનેહથી દેશને એકતા અને અખંડિતતા સાથે જોડ્યો. તેમણે કહ્યું કે, સરદારના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે અને તેમના આત્મનિર્ભર ભારતના આહવાનને ઝીલીને આપણે સૌએ આત્મનિર્ભર બનવું એ સમયની માંગ છે.
આ યુનિટી માર્ચનો પ્રારંભ સરદાર પટેલ સ્ટેચ્યુ, ટાવર ચોકથી થયો હતો અને ત્યાંથી સિવિલ સર્કલ, બસ સ્ટેશન, મોતીપુરા ઓવરબ્રિજ, GIDC મોતીપુરા થઈને સાબર ડેરી ખાતે યાત્રાનું સમાપન થયું હતું. હિંમતનગર ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને મંત્રીશ્રીએ સુતરની આંટી અર્પણ કરી પદયાત્રાની શરૂઆત કરાવી હતી. આ સાથે પદયાત્રાના રૂટમાં આવતી બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. માર્ગમાં વિવિધ સ્થળો પર યાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યુવા આઇકન, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, અને મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સાબર ડેરી ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ એકતા યાત્રામાં સાબરકાંઠા કો.ઓપરેટીવ બેંક, સાબર ડેરી સહિત વિવિધ સંસ્થાઓ, મંડળો સહભાગી બન્યા હતા.
સરદારની ૧૫૦મી જન્મ જયંતિની આ યુનિટી માર્ચમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, ઈડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, અગ્રણી સર્વે શ્રી જે. ડી. પટેલ, શ્રી કનુભાઈ પટેલ, સુશ્રી કૌશલ્યા કુંવરબા, શ્રી મહેશભાઈ પટેલ સહિત સાબરકાંઠાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 148582
Views Today : 