ઉના તાલુકામાં મેડિકલ કોલેજ ફાળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત
ઉના તાલુકામાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણની ઉત્તમ તક મળી રહે તે હેતુથી ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને કરવામાં આવી હતી.જેમાં તેમના પુત્ર નગર પાલિકા સભ્ય વિજયભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી બક્ષીપંચ મોરચા ગીર સોમનાથના વિનોદભાઈ બાંભણિયા તથા ગીરગઢડા તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયાના
નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને ઉના તાલુકામાં મેડિકલ કોલેજ ફાળવવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.રજુઆત દરમિયાન જણાવાયું હતું કે ઉના તાલુકો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પછાત વસ્તી નિવાસ કરે છે અને આરોગ્ય સેવાઓ માટે લોકોને હાલ જૂનાગઢ, રાજકોટ જેવા દૂરના શહેરોમાં જવું પડે છે. આવી પરિસ્થિતિમાં
ઉના તાલુકામાં મેડિકલ કોલેજ સ્થાપિત થાય તો સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર શિક્ષણનો લાભ મળશે. મેડિકલ કોલેજ શરૂ થવાથી સ્થાનિક યુવાઓને ડૉક્ટર બનવાની તક મળશે, સાથે સાથે સરકારી હોસ્પિટલ, સુપર સ્પેશિયાલિટી સેવાઓ, નર્સિંગ અને પેરામેડિકલ શિક્ષણને પણ પ્રોત્સાહન મળશે. ઉપરાંત રોજગારની નવી તકો ઊભી થશે અને વિસ્તારના આરોગ્ય માળખાને મજબૂતી મળશે તેમ રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું હતું.આ અવસરે આરોગ્ય મંત્રીને ઉના તાલુકાની ભૌગોલિક સ્થિતિ, વસ્તી ઘનતા અને વિકાસની શક્યતાઓ
અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને રાજ્ય સરકાર તરફથી સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક જનતા, સામાજિક સંસ્થાઓ અને યુવા વર્ગ તરફથી પણ ઉના તાલુકામાં મેડિકલ કોલેજ ફાળવણી માટે લાંબા સમયથી માંગ ઊઠી રહી છે. આ રજૂઆતથી ઉના તાલુકાના વિકાસને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવી દિશા મળશે તેવી ધારાસભ્ય કે.સી.રાઠોડે આશા વ્યક્ત કરવામાં આવી છે.






Total Users : 154519
Views Today : 