લગ્ન કાયદા સુધારાની લડતમાં આગળ આવનાર ધારાસભ્ય રમણલાલ વોરા નું વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું
રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી કેબિનેટ બેઠકમાં લગ્ન કાયદા સંબંધિત જરૂરી સુધારાઓ અંગે ગંભીર અને દુરદર્શી ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાનો મુખ્ય હેતુ એ છે કે ટૂંકા ગાળાની નહીં પરંતુ લાંબા ગાળે સમાજહિતમાં ઉપયોગી રહે તેવા, વ્યવહારુ અને માનવીય દૃષ્ટિકોણથી કાયદામાં સુધારા કરવામાં આવે, તેવી તૈયારી સરકાર દ્વારા દર્શાવવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ મુદ્દો નવો નથી. વર્ષ 2020માં સામાજિક આગેવાન તથા 12 ગોપાલ મંડળીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલે આ વિષયને સમાજના મંચ પરથી ઉઠાવીને તેની ગંભીરતા અંગે અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે તેમની સાથે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબે પણ આ મુદ્દાને યોગ્ય સ્તરે રજૂ કરવા માટે ચર્ચા, રજૂઆતો અને પ્રયત્નો કર્યા હતા.
પિતા–દીકરી વચ્ચે સર્જાતી વેદના, પરિવારજનોની વ્યથા અને સમાજમાં ઊભી થતી અસમાધાનકારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબે આ મુદ્દાને સતત આગળ ધપાવી સરકારના મંચ સુધી પહોંચાડ્યો, જેના પરિણામે આજે સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે.
આ સકારાત્મક પગલાંના અનુસંધાને આજે ઈડર અને વડાલી વિધાનસભા વિસ્તારના વિવિધ સમાજોના પ્રતિષ્ઠિત સામાજિક આગેવાનો દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, રાજપુત સમાજ, ચૌધરી સમાજ, અનુસૂચિત જાતિના સર્વ આગેવાનો, સગર સમાજ, કચ્છી પટેલ સમાજ, રબારી સમાજ, બ્રહ્મ અને બ્રહ્મભટ્ટ સમાજ, ગઢવી સમાજ સહિતના અનેક પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર પ્રયત્ન એક વ્યક્તિ કે એક સમાજ પૂરતો સીમિત ન રહી, પરંતુ સમગ્ર સમાજના હિતમાં, ખાસ કરીને પિતા અને દીકરીની લાંબા સમયથી ચાલતી વેદનાને અંત લાવવા માટેની લાંબાગાળાની લડતનો મહત્વપૂર્ણ પડાવ છે. આગામી ટૂંક સમયમાં સરકાર દ્વારા આ કાયદામાં જરૂરી સુધારા કરીને તેને વધુ સુલભ, સરળ અને સમાજહિતમાં ઉપયોગી બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે તેવી સૌને આશા છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 155019
Views Today : 