પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીના વ્યાસાસને આદર્શ ગામ તખતગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો શુભારંભ
ભવ્યાતિભવ્ય પોથીયાત્રા યોજાઈ
વિદ્વાન સંતોની પાવન ઉપસ્થિતિમાં શુભારંભ
ગાંધીનગરના સમદર્શન આશ્રમના પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીના વ્યાસાસને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આદર્શ ગામ તખતગઢ ખાતે આજથી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે. પરમ પૂજ્ય પરમહંસ બ્રહ્મલીન સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ તેમજ શ્રી કૃષ્ણાનંદજી મહારાજે માધવ કુટિર, તખતગઢમાં વિતાવેલા 11 વર્ષની સ્મૃતિમાં તેમના શિષ્યમંડળ તથા તખતગઢના ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના શુભારંભે રવિવારે તખતગઢમાં ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું હતું. સાંજે પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ ભાગવત કથા મંડપનું અનાવરણ કર્યું હતું.

હંમેશા સમરસ ગામ તરીકે જાહેર થતા આદર્શ ગામ તખતગઢમાં આજ સુધી એક પણ ચૂંટણી કરવી પડી નથી કે કોઈ પોલીસ કેસ નોંધાયા નથી. અદ્ભૂત સંપ અને એકતા, ભક્તિભાવ તથા સામૂહિક પ્રગતિ માટે ઉદાહરણરૂપ એવા તખતગઢમાં પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીની શ્રીમદ્ ભાગવત કથાનો ભવ્યાતિભવ્ય શુભારંભ થયો છે. રવિવારે સવારે 24 ભાગવત પોથી સાથે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. પરમ પૂજ્ય ગુરુમા ઉપરાંત પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમાનંદજી મહારાજ (તખતગઢ), પૂજ્ય આત્માનંદજી માતાજી (ભચાઉ), પૂજ્ય સ્વામી શ્રી અક્ષયાનંદ સરસ્વતીજી (ઉત્તર કાશી), પૂજ્ય સ્વામી શ્રી વિશ્વાનંદ સરસ્વતીજી (હિંમતનગર), પૂજ્ય પૂર્ણાનંદજી માતાજી (રાણાવાવ) અને પૂજ્ય પરા ચૈતન્યાજી (સમદર્શન, ગાંધીનગર) પોથીયાત્રામાં જોડાયા હતા. લગભગ સાડા છ કલાક ચાલેલી પોથીયાત્રામાં સમગ્ર ગ્રામજનો અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા.
રવિવારે સાંજે તત્વતીર્થ, અમદાવાદના સ્વામીની પરમ પૂજ્ય વિદ્યાપ્રકાશાનંદા સરસ્વતીજીની પાવન ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજી અને સંતોએ દીપ પ્રગટાવીને શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે પૂજ્ય વિદ્યાપ્રકાશાનંદા સરસ્વતીજીએ કહ્યું હતું કે, બ્રહ્મલીન સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ વર્ષ 1962 થી 1972 દરમિયાન તખતગઢમાં રહ્યા હતા. તખતગઢ મહાપુરુષની ચરણરજના અભિષેકનું ફળ છે. તખતગઢે સંસ્કાર જાળવી રાખ્યા છે એટલું જ નહીં સંસ્કારોનું સંવર્ધન પણ કર્યું છે. શ્રીમદ્ ભાગવત કથા ભગવાનના અનન્ય ભક્તોની નિષ્કામ ભક્તિની કથા છે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનને નિષ્કામ પ્રેમ કરવો પડે. તેમણે કહ્યું હતું કે, પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજી વિદ્વાન વક્તા અને કથાકાર છે. તેમના શ્રીમુખેથી કથાનું રસપાન કરવું એ લ્હાવો છે. કથાના ભવ્ય આયોજન માટે તેમણે તખતગઢના ગ્રામજનોની પ્રશંસા કરીને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા.
તખતગઢના શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ખીમજીભાઈ હિરજીભાઈ પોકાર પરિવાર, શ્રી રાધેશ્યામ પુરુષોત્તમભાઈ પોકાર તથા શ્રી પરીક્ષિત વિઠ્ઠલભાઈ પોકાર પરિવાર છે. મુખ્ય પોથીના યજમાન સાવિત્રીબેન નરસિંહભાઈ હિરજીભાઈ ધોળુ પરિવાર તથા મૈત્રીબેન જલ્પેશભાઇ નરસિંહભાઈ ધોળુ પરિવાર છે. સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત ભાગવત કથાના સંયોજક તરીકે શ્રી ચંદ્રકાંતભાઈ છાભૈયા, શ્રી નિશાંતભાઈ માકાણી અને શ્રી તુલસીદાસભાઈ ધોળુ અનન્ય સેવાઓ આપી રહ્યા છે.
પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીની તખતગઢ શ્રીમદ્ ભાગવત કથા શ્રવણનો તારીખ 28 ડિસેમ્બર 2025 ને રવિવાર સુધી દરરોજ સવારે 8:30 થી 11:30 અને બપોરે 2:30 થી સાંજે 5:30 વાગ્યા દરમિયાન ભાવિક ભક્તજનો લાભ લઈ શકશે.
ભાગવત કથાને કારણે તખતગઢમાં મહોત્સવ જેવો માહોલ : ગામની મહિલાઓ એક સરખા સેલાં-સાડી પહેરીને શોભાયાત્રામાં સામેલ થઈ
આદર્શ ગામ તખતગઢમાં પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીના શ્રીમુખેથી યોજાઈ રહેલી શ્રીમદ્ ભાગવત કથાને કારણે આખા ગામમાં મહોત્સવ જેવો માહોલ છે. 250 જેટલા પરિવારો જ્યાં વસવાટ કરી રહ્યા છે તે તખતગઢના તમામ પરિવારોએ ગામની બહાર પરણાવેલી દીકરીઓ અને તેના પરિવારને કથા શ્રવણ માટે બોલાવી લીધા છે. કામ ધંધા માટે તખતગઢ બહાર જઈ વસેલા પરિવારો પણ કથા સાંભળવા તખતગઢ આવી ગયા છે. આસપાસના ગ્રામજનો પણ કથા શ્રવણ માટે આવી રહ્યા છે.
રવિવારે યોજાયેલી પોથીયાત્રામાં 450 થી વધુ બહેનો એક સરખા સેલા-સાડીમાં સજ્જ થઈને પોથીયાત્રામાં જોડાયા હતા. ગામનાજ એક દાતાશ્રીએ ભાગવત કથાને અનુલક્ષીને તખતગઢની તમામ પુત્રવધુઓને એક સરખા સેલા-સાડી ભેટ આપ્યા છે. જ્યારે તખતગઢની માતાઓ અને વડીલ બહેનોને એક સરખી સાડી ભેટ આપી છે. તખતગઢની માતાઓ, વડીલ બહેનો અને દીકરીઓ એકસરખા વસ્ત્રોમાં સજ્જ થઈને શોભાયાત્રામાં જોડાયા ત્યારે અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું હતું.
શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ને લઈને તખતગઢમાં ભક્તિભાવનું અજબ ગજબનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લગભગ 10,000 શ્રોતાઓ ભક્તિભાવપૂર્વક, ટાંકણી પડે તો પણ અવાજ આવે તેવા શાંત વાતાવરણમાં, ભવ્ય સભામંડપમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા






Total Users : 156199
Views Today : 