પાલનપુરમાં યુવકની હત્યાનો મામલો: પોલીસે મુખ્ય આરોપી સહિત 6 શખ્સોને ઝડપી પાડયા, પૈસાની લેતીદેતીમાં યુવકનું ઢીમ ઢાળ્યુ હતું
પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યા કેસમાં બનાસકાંઠા પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પાલનપુર રામદેવ હોટલ નજીક 20 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી.
પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી. ગાદલવાડાના નિતિનભાઈ કેશરભાઈ ચૌધરીને આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સાથે પૈસાનો પ્રશ્ન હતો. આ અંગે વાતચીત કરવા નિતિનભાઈ, ભરતભાઈ ચૌધરી અને અન્ય એક વ્યક્તિ તેમની કાર લઈને રામદેવ હોટલ નજીક આવ્યા હતા. ત્યાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી અને અન્ય આશરે ચોવીસ જેટલા માણસો એકસંપ થઈને કાર, મોટરસાયકલ અને એક્ટિવા જેવા વાહનોમાં લોખંડની પાઈપો, તલવારો અને ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હતા. તેમણે ફરિયાદી અને સાક્ષીઓ પર હુમલો કર્યો હતો.

આરોપી ભાર્ગવ મંડોરાના સાગરીતે નિતિનભાઈને ગળાના ભાગે લોખંડની પાઈપ મારી હતી. ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળીએ જાનથી મારી નાખવાના ઈરાદે નિતિનભાઈને ડાબા હાથના બાવડા પર તલવાર મારી હતી. મૃતક ભરતભાઈ ચૌધરીને માથામાં ડાબી બાજુ કપાળ અને કાનની ઉપરના ભાગે માર મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
તમામ આરોપીઓએ નિતિનભાઈ અને ભરતભાઈને ધોકા, પાઈપો અને ગડદાપાટુથી માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી.હતી, જેના પરિણામે ભરતભાઈ ચૌધરીનું મોત થયું હતું. નિતિનભાઈને માથામાં ગંભીર જીવલેણ ઈજાઓ થઈ હતી.
હુમલાખોરોએ બ્રેઝા કારના કાચ તોડી રૂ. 25,000નું નુકસાન પણ કર્યું હતું અને ગુનો આચરીને નાસી છૂટ્યા હતા. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ગંભીર ગુનાની અસરકારક તપાસ અને આરોપીઓને ઝડપી પાડવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગના નેતૃત્વ હેઠળ કુલ 10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમોમાં LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ, સાયબર ક્રાઈમ, ટેકનિકલ અને સ્થાનિક પોલીસનો સમાવેશ થતો હતો.
નાયબ પોલીસ અધિક્ષકના સતત માર્ગદર્શન હેઠળ, LCBના પો.સ.ઈ. આર.બી. જાડેજાની ટીમે ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા (માળી) ને રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. અન્ય ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી માહિતીના આધારે અલગ-અલગ સ્થળોએથી અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા
રીકી નોયલ રોકસ્બ્રો રહે.પાલનપુર
ભરતજી ભુરાજી રાજપુત રહે.ટડાવ તા.ઢીમા જી.વાવ થરાદ
ભૌતિકકુમાર જગદીશભાઇ પરમાર રહે.પરખડી તા.વડગામ
ગણપતભાઇ સેનજીભાઇ ચૌહાણ (ઠાકોર) રહે.આકેસણ તા.પાલનપુર
અનિલભાઇ શંકરભાઇ બાવરી રહે.તારાનગર, બાવરી ડેરા, પાલનપુર
રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર







Total Users : 157276
Views Today : 