*શક્તિપીઠ અંબાજી ખાતે જગદ્દજનની માં જગદંબાના પ્રાગટ્ય દિવસની દિવ્ય અને ભવ્યાતિભવ્ય ઉજવણી
ગુજરાતના પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પોષી પૂનમ (પ્રાગટ્યોત્સવ) નિમિત્તે જગદ્દજનની માં જગદંબાના પ્રાગટ્ય દિવસની દિવ્ય અને ભવ્યાતિભવ્ય ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.

ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ગિરિથી અંબાજી મંદિર સુધી ભક્તિપૂર્ણ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ૪૦થી વધુ આકર્ષક ઝાંખીઓ સાથે સમગ્ર અંબાજી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેને યાત્રિકો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળી હતી.
ઉત્સવ દરમિયાન અંદાજે ૨,૧૦૦ કિલોગ્રામ સુખડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંબિકા અન્નક્ષેત્ર ખાતે લગભગ ૧૩,૦૦૦ જેટલા યાત્રિકોએ વિનામૂલ્યે ભોજન લઈ ધન્યતા અનુભવી હતી. ચાચર ચોક ખાતે શાકંભરી નવરાત્રિ નિમિત્તે માતાજીને લીલા શાકભાજીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ગઇકાલે ચૌદશ તથા આજે પોષી પૂનમ નિમિત્તે સાંજે રાત્રિના ૮ કલાકે અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉત્સવ દરમિયાન અંદાજે ૧,૫૦,૦૦૦ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, અંબાજી મંદિરના ચાચર ચોકથી પ્રાગટ્યોત્સવ નિમિત્તે આયોજિત મહાશક્તિ યજ્ઞ, LED સ્ક્રીન તેમજ મંદિર ટ્રસ્ટની YouTube ચેનલ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા પણ ઉત્સવનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા તથા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદી ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ વિશ્વ કલ્યાણ અર્થે ૧૦૧ યજમાનો દ્વારા આયોજિત મહાશક્તિ યજ્ઞમાં સહભાગી થઈ ધર્મલાભ મેળવ્યો હતો.
***







Total Users : 159256
Views Today : 