*વડગામના માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: રૂ.૩.૬૭ લાખનો જથ્થો સીઝ કરાયો*
*જૈનમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ પકડાયું; ૮ નમૂના લેબોરેટરીમાં મોકલાયા*
*વગર પરવાને ચાલતી ઘીની પેઢી વિરુદ્ધ કાર્યવાહી: ૧૫૧૩ કિલો જથ્થો જપ્ત કરાયો*
___________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા:- ૮૭/૨૩
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એચ. પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ઇ.એસ. પટેલની ટીમ દ્વારા તા. ૦૯/૦૨/૨૦૨૬ ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નં. ૫૯૦૦ પર સ્થિત મે.ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પેઢીના માલિક શ્રી અલમદારઅલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા.
આ તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલીન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાયું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં ‘જૈનમ’ બ્રાન્ડનું ૧ લિટરના પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલીન તેલ, સુર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો (Adulterants) પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા. આ પેઢી ‘જૈનમ’ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા-જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હતું.
આ કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટના કુલ ૦૮ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. વિભાગ દ્વારા આશરે ૧૫૧૩ કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. ૩,૬૭,૯૮૬/- થાય છે. હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અહેવાલ = એક ભારત ન્યૂઝ






Total Users : 166624
Views Today : 