વડાલીની હોટલમાં વીજ કનેક્શન કાપવા ગયેલી ugvcl ની ટીમ ને સંચાલકે ધમકી આપી
વડાલી-ધરોઈ રોડ પર આવેલી મોહંમદી તવા ફ્રાય હોટલનું વીજ બિલ બાકી હોવાથી કનેક્શન કાપવા ગયેલી UGVCLની ટીમે હોટલના સંચાલકે ધમકાવી સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વડાલી UGVCLના નાયબ ઈજનેર નિરુપાબેન સોલંકીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 7 જાન્યુઆરી, 2026ના રોજ મોહંમદી તવા ફ્રાય હોટલનું વીજ બિલ બાકી હોવાથી વીજ કંપનીનો સ્ટાફ કનેક્શન કાપવા ગયો હતો. તે સમયે હોટલ સંચાલક હસીમુલ્લાખાન ઉર્ફે અકુભાઈ અમાનુલ્લાખાન પઠાણે ફરજ પરના કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. તેણે અપશબ્દો બોલી અને સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી.
આ વિવાદ બાદ પણ વીજ બિલ ન ભરાતાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ નાયબ જુનિયર એન્જિનિયર રોનકકુમાર પ્રજાપતિ, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અર્જુનસિંહ રાઠોડ, નિલેશકુમાર મકવાણા અને ડ્રાયવર ઇસ્માઇલભાઈ મનસુરીની ટીમ ફરીથી કનેક્શન કાપવા પહોંચી હતી. બાકી બિલના કારણે વીજ મીટરનું કનેક્શન કાપી નાખતા હસીમુલ્લાખાન ઉશ્કેરાઈ ગયો હતો. હસીમુલ્લાખાને ત્યારબાદ વડાલી UGVCL કચેરી ખાતે પહોંચી જઈ ત્યાં ફરજ પરના કર્મચારીઓના વીડિયો ઉતાર્યા હતા. તેણે તમામ સ્ટાફને અપમાનજનક શબ્દો કહી ધમકીઓ આપી હતી. જેના કારણે કચેરીમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ બાબતે સરકારી કર્મચારીઓને તેમની કાયદેસરની ફરજ બજાવતા રોકવા અને ધમકી આપવા બદલ વડાલી UGVCLના ડી.ઈ. નિરુપાબેન છગનલાલ સોલંકીએ હસીમુલ્લાખાન પઠાણ વિરુદ્ધ વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા




Total Users : 1
Views Today : 