નેશનલ પેરા એથ્લેટિક્સમાં સાબરકાંઠાના બે ખેલાડીઓએ ૩ ગોલ્ડ મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
ધર્મ સગરે ગોળા ફેંક અને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ તેમજ અજય મોડીયાએ F-35 કેટેગરીમાં ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું
બિહારના પટના સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૩ થી ૧૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ૨૧મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર સેરેબ્રલ પાલ્સી (CP) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જુદા-જુદા ૧૯ રાજ્યોના ૩૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી કુલ ૪૦ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના બે સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ પોતાની મર્યાદાઓને પુરુષાર્થમાં બદલી કુલ ૩ ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.
સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલી ગામના ધર્મ જીગરભાઈ સગરે ૧૨ થી ૧૫ વર્ષની વય મર્યાદાની સબ-જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો. ધર્મે પોતાની અસાધારણ ખેલદિલીનો પરિચય આપતા ગોળા ફેંક અને ભાલા ફેંક એમ બંને રમત સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી બેવડી સફળતા હાંસલ કરી છે.
વિજયનગર તાલુકાના ખેલાડી અજય મોડીયાએ પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે. અજય મોડીયાએ F-35 કેટેગરીમાં ગોળા ફેંક ની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. આમ, સાબરકાંઠાના આ બે રત્નોએ મળીને કુલ ૩ સુવર્ણ ચંદ્રકો જિલ્લાની ઝોળીમાં નાખ્યા છે.
સેરેબ્રલ પાલ્સી જેવી શારીરિક સ્થિતિ હોવા છતાં, આ ખેલાડીઓએ નેશનલ લેવલે જે સિદ્ધિ મેળવી છે તે અન્ય દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ, સાબરકાંઠા દ્વારા આ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે ગુજરાતના ૪૦ ખેલાડીઓના પ્રતિનિધિત્વ વચ્ચે સાબરકાંઠાના આ યુવાનોએ જે પ્રદર્શન કર્યું છે, તે દર્શાવે છે કે યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો દિવ્યાંગ ખેલાડીઓ પણ આકાશ આંબી શકે છે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 