>
Tuesday, July 28, 2026

મામલતદારશ્રી ગીર ગઢડા ને આવેદન પત્ર આપ્યું:ફરેડા ગામમાં વિકાસના દાવા સામે હકીકત? કાદવમાં ભણવા મજબૂર બાળકો, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી 

મામલતદારશ્રી ગીર ગઢડા ને આવેદન પત્ર આપ્યું:ફરેડા ગામમાં વિકાસના દાવા સામે હકીકત? કાદવમાં ભણવા મજબૂર બાળકો, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી

 

 

ગીર સોમનાથ જિલ્લાના ફરેડા ગામમાં મુખ્ય માર્ગની બિસ્માર હાલત, ગંદકી, પાણી ભરાવા, તૂટેલી સ્ટ્રીટ લાઇટની વીજ લાઇન અને ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ધીરુભાઈ લાખાભાઈ મકવાણાના ઘરથી લાખાભાઈ ટપુભાઈ રાવળના ઘર સુધીનો અંદાજે એક કિલોમીટર લાંબો મુખ્ય માર્ગ છેલ્લા લગભગ 30 વર્ષથી બન્યો નથી. વરસાદી મોસમમાં રસ્તા પર ગોઠણસમા કાદવ અને ગંદા પાણી ભરાઈ જતા ગામના બાળકોને દરરોજ મુશ્કેલી વચ્ચે શાળાએ જવું પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ સ્થિતિને કારણે અકસ્માત અને રોગચાળાનો ભય પણ ઉભો થયો છે.

આ સાથે જ રસ્તા પર સ્ટ્રીટ લાઇટની તૂટેલી વીજ સર્વિસ લાઇન પાણીમાં પડેલી હોવાના કારણે વીજ શોકથી જાનહાનિ થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ આ જોખમને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે.

 

રજુઆતમાં ગામમાં થયેલા ગટર, વાસ્મો અને બ્લોકના વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિ અને સરકારી નાણાંના દુરૂપયોગના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ આ તમામ વિકાસ કામોની તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

 

આ ઉપરાંત સરપંચ અને તેમના પ્રતિનિધિ સામે ગેરકાયદેસર રીતે મોટી સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પંચાયતની સામગ્રીનો અંગત ઉપયોગ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રામ પંચાયતના બે સભ્યો રાજીનામું આપશે તેમજ ગામના હિતમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન, જરૂર પડે તો ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ પણ કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર મામલો રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores