તહેવારો પહેલાં ઊનામાં ફરસાણ-મીઠાઈ સહિત ખાદ્યચીજોની સઘન તપાસની માંગ
ઊના: તહેવારોની શરૂઆત પહેલાં ઊના શહેરમાં ફરસાણ, મીઠાઈ, ઘી-માખણ તથા બેકરીની ખાદ્યચીજોમાં ભેળસેળ ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.તહેવારો દરમિયાન ફરસાણ અને મીઠાઈની માંગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં કેટલાક વેપારીઓ દ્વારા નફાની લાલચમાં હલકી ગુણવત્તાવાળા કાચા માલનો ઉપયોગ અથવા ખાદ્યચીજોમાં ભેળસેળ કરવામાં આવે તેવી શક્યતા રહે છે. ખાસ કરીને ઘી, માખણ, માવો, મીઠાઈ, ફરસાણ, બેકરી પ્રોડક્ટ્સ અને અન્ય તૈયાર ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે તંત્ર દ્વારા તકેદારી રાખવી જરૂરી બની છે
.લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા શહેરની દુકાનો, ફરસાણની લારીઓ, મીઠાઈની દુકાનો, બેકરીઓ તથા ખાદ્યચીજોના ઉત્પાદન-વેચાણના સ્થળોએ અચાનક તપાસ હાથ ધરવામાં આવે, ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવે અને લેબોરેટરીમાં તપાસ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.જો તપાસ દરમિયાન ભેળસેળ કે હલકી ગુણવત્તાની ખાદ્યચીજો મળી આવે તો માત્ર ચેતવણી આપી મામલો થાળે પાડવાને બદલે કાયદેસરની કડક કાર્યવાહી અને જવાબદારો સામે દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ છે.તહેવારો ખુશી અને ઉજવણી માટે હોય છે, બીમારી વહેંચવા માટે નહીં. તેથી તહેવારોની ભીડનો લાભ લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે તંત્ર કડક બને અને “તહેવાર પહેલાં તપાસ, ભેળસેળ સામે કડક કાર્યવાહી” થાય તેવી માંગ હાલ તેજ બની છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


