નવાબંદર મરીન પોલીસ (ગીર સોમનાથ)ની સરાહનીય કામગીરી: સામૂહિક દુષ્કર્મના બે આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાની નવાબંદર મરીન પોલીસે એક સનસનીખેજ સામૂહિક દુષ્કર્મ કેસમાં બે આરોપીઓને ગુનો દાખલ થયાની ગણતરીની કલાકોમાં ઝડપી પાડીને સરાહનીય અને તાત્કાલિક કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ત્વરિત કાર્યવાહી
કરી અત્યાચાર અને ગંભીર ગુનાઓના આરોપીઓને તુરંત પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલી હતી. આ સૂચનાના પગલે, નવાબંદર મરીન પોલીસ સ્ટેશને ઝડપી પગલાં લીધા હતા.આજરોજ નવાબંદર મરીન પો.સ્ટે. હેઠળ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૭૦(૧) અને ૧૭૩(૨) મુજબનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન. રાણાએ સંભાળી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓએ આશરે સાતેક દિવસ પહેલાં ભોગ બનનાર મહિલાનું મોટરસાયકલમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને કોઈક વસ્તુ સુંઘાડીને બેભાન કરી દીધી હતી અને ઘરે લઈ જઈને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇન્ચાર્જ પી.આઇ. શ્રી એમ.એન. રાણાએ આરોપીઓને પકડવા માટે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ આરોપીઓના આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરી હતી અને હ્યુમન સોર્સના આધારે બાતમી મેળવી હતી.પો. હેડ કોન્સ. પાંચાભાઈ પુજાભાઈ બાંભણીયા અને પો. કોન્સ. સંદિપસિંહ વલ્લભભાઇ ઝણકાંટની મહેનત રંગ લાવી અને તેઓને આરોપીઓ વિશે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
(૧) નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળીયો દેવચંદભાઈ બારીયા (રહે. નવાબંદર)
(૨) સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબુતર દેવશીભાઇ મજેઠીયા (રહે. નવાબંદર, મૂળ રહે. કાળાપાણ)
ઝડપાયેલા આરોપીઓને ગુનાની તપાસના કામે રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા બાકીના આરોપીઓને પકડવાની કાર્યવાહી પણ પૂરજોશમાં ચાલુ છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા