ગંભીર બીમારીથી પીડિત ઉનાના માછીમારને પાકિસ્તાન જેલમાંથી તાત્કાલિક મુક્ત કરાવો, કુટુંબીજનોની ભારત સરકારને આજીજી
ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના વતની અને પાકિસ્તાનની જેલમાં કેદ ભગાભાઈ પરબતભાઇ બાંભણિયાની ગંભીર બીમારીને પગલે તેમના કુટુંબીજનોએ ભારત સરકાર સમક્ષ તેમને તાત્કાલિક મુક્ત કરાવવા માટે આજીજી કરી છે. મળતી માહિતી મુજબ, ભગાભાઈ હાલમાં કરાંચીની એક હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યા છે અને તેમની હાલત અત્યંત નાજુક છે.ભગાભાઈ બાંભણિયા પાકિસ્તાનની જેલમાં લાંબા સમયથી કેદ છે.
જોકે, તેમની ગંભીર બીમારીના સમાચારથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કુટુંબીજનોના જણાવ્યા મુજબ, ભગાભાઈની તબિયત એટલી બગડી ગઈ છે કે તેમને કરાંચીની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને તેઓ મરણપથારીએ છે.કુટુંબીજનોએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને હૃદયપૂર્વક વિનંતી કરી છે કે માનવતાના ધોરણે ભગાભાઈની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક પાકિસ્તાનની જેલમાંથી છોડાવીને સ્વદેશ પરત લાવવામાં આવે. પરિવાર ઈચ્છે છે કે ભગાભાઈની સારવાર ભારતમાં થાય અને તેઓ જીવનના અંતિમ દિવસોમાં પોતાના કુટુંબ સાથે રહી શકે.આ કિસ્સામાં, ભારત સરકારે તાત્કાલિક રાજદ્વારી સ્તરે પાકિસ્તાન સરકાર સાથે સંપર્ક સાધીને ભગાભાઈ બાંભણિયાને મુક્ત કરાવવા માટે સઘન પ્રયાસો કરવા જરૂરી છે, જેથી એક ભારતીય નાગરિકનો જીવ બચાવી શકાય અને તેમના પરિવારને રાહત મળી શકે. કુટુંબીજનો આશા રાખી રહ્યા છે કે સરકાર તેમની માંગણીને ગંભીરતાથી લેશે અને ઝડપથી યોગ્ય પગલાં લેશે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા







