ગીર ગઢડા પંથકમાં વરસાદથી ખેડૂતો પર આફત: ડુંગળી સહિતના પાકનો સર્વે ન થતાં ભારે રોષ
ગીર ગઢડા: ગીર ગઢડા પંથકમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. જોકે, સરકારી સર્વેની યાદીમાં ડુંગળીના પાકનો સમાવેશ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થયું હોવા છતાં સર્વેમાં નામ ન હોવાથી ખેડૂત પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.ડુંગળી ઉપરાંત અન્ય પાકને પણ નુકસાન: સર્વેની માંગ ડુંગળી ઉપરાંત આ પંથકમાં સોયાબીન,મગફળી, અડદ, તલ અને ઘાસચારાના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ગીર ગઢડા પંથકના ખેડૂતોએ સરકાર પાસે આ તમામ પાકોનો પણ તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માગણી કરી છે.
વ્યાપક ધોવાણથી ખેતરોમાં માટી પણ નથી રહી
સનવાવ ગામના ખેડૂતો દ્વારા પોતાની વ્યથા ઠાલવવામાં આવી છે કે, જે લોકોના ખેતરોમાં ભારે ધોવાણ થયું છે, ત્યાં માટી પણ રહી નથી. પરિણામે, ખેડૂતોને માંડવીના પથારા ક્યાં ગોતવા જવું તે મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. ખેતરોમાં હાલમાં પણ ગોઠણ સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે ઊભા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.સરકારી પરિપત્રથી ખેડૂતો નારાજ
સરકાર દ્વારા પાક નુકસાનના સર્વે માટે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનાથી ખેડૂતો નારાજ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ પરિપત્રમાં અમુક પાકને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જ્યારે ડુંગળી જેવા મુખ્ય પાકનો સમાવેશ કરવામાં આવ્યો નથી.ખાસ કરીને સનવાવ ગામમાં ડુંગળીનું વાવેતર વધારે હોવાથી નુકસાન પણ ભારે થયું છે. તેમ છતાં, પાકના નામમાં તેનો સમાવેશ ન થતાં ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.ગીર ગઢડા પંથકના ડુંગળીના પાકને તાત્કાલિક સર્વેમાં સમાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે. સોયાબીન, માંડવી, અડદ, તલ અને ઘાસચારાના પાકને થયેલા વ્યાપક નુકસાનનો પણ સર્વે હાથ ધરવામાં આવે. જે ખેતરોમાં વ્યાપક ધોવાણ થયું છે અને માટી પણ ધોવાઈ ગઈ છે, તેના માટે વિશેષ સહાય જાહેર કરવામાં આવે.આ પ્રશ્ને સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લે તેવી આ પંથકના ખેડૂતો આશા સેવી રહ્યા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા







Total Users : 143021
Views Today : 