ઉનાના પ્રખ્યાત તપોવન હનુમાન મંદિરમાં લાખોની ચોરી, તસ્કરો CCTV DVR પણ ઉઠાવી ગયા; ભક્તોમાં ભારે રોષ
ઉના: ઉના શહેરના આસ્થાના કેન્દ્ર સમાન અને હજારો ભક્તોની શ્રદ્ધા ધરાવતા પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં ગત મધ્યરાત્રિએ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. મંદિરમાંથી લાખો રૂપિયાના ચાંદીના આભૂષણો, દાનપેટીમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનની ચોરી થઈ છે. ચોરો એટલા શાતિર હતા કે તેઓ પોતાની ઓળખ છુપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે મંદિરમાં લાગેલા CCTV કેમેરાનું DVR મશીન પણ સાથે ઉઠાવી ગયા હતા.

ગર્ભગૃહનું તાળા તોડી મંદિરમાં પ્રવેશ
પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા ચોરોના એક ટોળાએ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સૌપ્રથમ મંદિરના મુખ્ય ગેટ ની દીવાલ કૂદી મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ, તેઓએ નિરાંતે મંદિરમાં ફરીને ગર્ભગૃહમાંથી ભગવાનના શણગાર માટે વપરાતા ચાંદીના આભૂષણો, મુગટ અને અન્ય કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કર્યો હતો. આ ઉપરાંત, મંદિરમાં રાખેલી દાનપેટીઓને પણ તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
પુરાવાનો નાશ કરવા CCTV DVR ઉઠાવી ગયા

ચોરોએ આ સમગ્ર ચોરીને અત્યંત આયોજનપૂર્વક અંજામ આપ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોલીસને કોઈ પણ પ્રકારના પુરાવા ન મળે અને પોતાની ઓળખ છતી ન થાય તે હેતુથી, તસ્કરોએ મંદિરમાં લગાવેલા CCTV કેમેરા સિસ્ટમનું મુખ્ય રેકોર્ડિંગ યુનિટ (DVR) જ પોતાની સાથે ઉઠાવી લીધું હતું. DVR ગાયબ હોવાથી ચોરોની સંખ્યા કેટલી હતી, તેઓ કયા વાહનમાં આવ્યા હતા અને ચોરીને કેવી રીતે અંજામ આપ્યો તે જાણવું પોલીસ માટે એક મોટો પડકાર બની ગયું છે.
સવારે પૂજારી આવતા ઘટના પ્રકાશમાં આવી
આ સમગ્ર ચોરીની ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આજે વહેલી સવારે મંદિરના પૂજારી નિત્યક્રમ મુજબ પૂજા-અર્ચના કરવા માટે પોતાના રૂમ માંથી બાર આવ્યા ત્યારે તેમણે મંદિર ના ગર્ભગૃહ નો દરવાજો તૂટેલો અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોયો. ગર્ભગૃહમાંથી કિંમતી આભૂષણો અને દાનપેટીઓ તૂટેલી જોઈને તેમને ચોરી થઈ હોવાનો અંદાજ આવ્યો હતો, જે અંગે તેમણે તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીઓને અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઉના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંદિર પરિસરની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને ચોરી થયેલા મુદ્દામાલનું ચોક્કસ આંકલન કરવા માટે મંદિરના પૂજારીની પૂછપરછ હાથ ધરી છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી શકે છે.
શહેરના 4 કિમી દૂર આવેલા પ્રખ્યાત મંદિરમાં આટલી મોટી ચોરી થવાથી ભક્ત સમુદાયમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ શહેરની રાત્રિ સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા







Total Users : 147750
Views Today : 