ગીર સોમનાથ જિલ્લાની ૮૪ કોલેજો તમાકુ મુક્ત જાહેર
—————–
તમામ ગામો ‘સ્મોક ફ્રી વિલેજ’ બને એ માટે કાર્ય કરવા કલેકટરશ્રીની સૂચના
—————–
જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા ગીર સોમનાથ દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાન 3.૦ અંતર્ગત છેલ્લા ૬૮ દિવસમાં જિલ્લાને તમાકુ મુક્ત કરવા વ્યસન વિરોધી વિવિધ પ્રવૃત્તિ કરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 
કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા તમામ સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રીને આરોગ્ય વિભાગના સંકલનમાં રહી જિલ્લાના તમામ ગામો સ્મોક ફ્રી થાય તે માટે પત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બરુઆ તથા એપિડેમિક મેડીકલ ઓફિસર શ્રી ડો દિવ્યેશ ગોસ્વામીના માર્ગદર્શન અને મોનીટરીંગ હેઠળ સોશ્યલ વર્કર શ્રી દિપ્તી વ્યાસ દ્વારા અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલી ૮૪ કોલેજોમાં રૂબરૂ મુલાકાત લઈ ગાઈડલાઈન મુજબ મુલ્યાંકન કરી તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે.

જિલ્લામાં COTPA 2003 એક્ટની સખત અમલવારી કરી ૬૪૫ કેસ કરી કુલ ૧૬,૬૪૦ દંડ વસૂલ કરી તમાકુની બનાવટના વેચાણ કરતા દુકાનદારોને કાયદાની સમજ આપવામાં આવી હતી અને જુદી જુદી જગ્યાએ બેનર, પોસ્ટર, પેમ્ફલેટ, શેરી નાટકો, મિટિંગો પણ યોજવામાં આવી હતી.
સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને તમાકુ થતા નુકશાન અંગે જાગૃતી લાવવા પ્રયાસ કરવામાં આવ્યો અને ૪૧૧ જેટલી શૈક્ષણિક સંસ્થાને કોમ્યુનીટી હેલ્થ ઓફિસરના સહયોગથી મૂલ્યાંકન કરાવી તમાકુ મુક્ત જાહેર કરવા કાર્યવાહી કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ સમાજ અને પરિવારના સહયોગથી તમાકુના ઉપયોગને ઘટાડવા અને તેની હાનિકારક અસરોને દૂર કરવા માટે દૈનિક કાર્ય કરી એવું વાતાવરણ ઉભું કરવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. જેમાં યુવાનો તમાકુની આદતને નકારે અને સ્વસ્થ જીવન જીવી શકે. આ અભિયાનમાં સહયોગ આપી ગીર સોમનાથ જિલ્લાને તમાકુ મુક્ત કરવા અપીલ કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ







Total Users : 154570
Views Today : 