ઉના સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તથા આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય કે.સી. રાઠોડની મુખ્યમંત્રીને રજૂઆત.
ઉના શહેરમાં આવેલ સિવિલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત તથા આધુનિક સારવાર સાધનોના અભાવને લઈને ઉના તાલુકાના ધારાસભ્ય કે.સી. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર વિજયભાઈ રાઠોડ,વિનોદભાઈ બાંભણિયા જીલ્લા મહામંત્રી બક્ષીપંચ મોરચા,ગીર ગઢડા તાલુકાના પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયા અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાને લેખિત રૂબરૂ રજૂઆત કરવામાં આવી 
રજુઆતમાં જણાવ્યા મુજબ ઉના તાલુકો વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો અને આર્થિક નબળો તાલુકો છે. અહીંના મોટાભાગના નાગરિકો મજૂરી તથા ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી આર્થિક રીતે પછાત છે. ત્યારે ઉનાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોક્ટર હોય જેને આધુનિક પૂરતા સાધનોનો અભાવ અને એક મુખ્ય સર્જન ડોક્ટરની ખાસ જરૂરિયાત હોય તેમજ એનેસ્થેશિયા ડોક્ટરની પણ જરૂરિયાત જણાતી હોય જે નિમણૂક ન થવાને કારણે દર્દીઓને પૂરતી સારવાર મળી શકતી નથી.આ ઉપરાંત હોસ્પિટલમાં જરૂરી આધુનિક મશીનો અને સારવાર સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર બનવું પડે છે, જેના કારણે તેમના પર ભારે આર્થિક બોજ પડે છે.
ધારાસભ્ય કે.સી. રાઠોડે પત્રમાં મુખ્યમંત્રીને વિશેષ માહિતી સાથે લોકમાંગ છે કે ઉનાની 100 બેડ વાળી સરકારી હોસ્પિટલનું કાર્ય પણ ઝડપથી થાય સાથે હાલ તાત્કાલિક જરૂરી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તેમજ આધુનિક સારવાર સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ઉના તાલુકાના નાગરિકોને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાયુક્ત અને સસ્તી આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ શકે.
આ બાબતે સ્થાનિક નાગરિકોમાં પણ સરકાર તરફથી સકારાત્મક અને ઝડપી પગલાં લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





Total Users : 156555
Views Today : 