*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*થરાદના ભામાસા નટુભાઈ વાણીયા નિઃસ્વાર્થ સેવા અને માનવતાનો જીવંત દીવો*
થરાદ તાલુકામાં જો કોઈ વ્યક્તિને “ભામાસા” તરીકે ઓળખવામાં આવે તો સૌપ્રથમ નામ નટુભાઈ વાણીયાનું આવે. નટુભાઈ વાણીયા એ એવો માનવતાભર્યો ચહેરો છે, જે હંમેશા માનતા આવ્યા છે કે માણસ નાનો કે મોટો નથી હોતો, પરંતુ સમય અને દુઃખ મોટું હોય છે. અને એ દુઃખના સમયમાં જે કામ આવે એ સાચો માનવ.
નટુભાઈ વાણીયા વર્ષોથી સમાજસેવામાં સતત સક્રિય રહ્યા છે. ખાસ કરીને કોરોનાના કપરા સમયમાં, જ્યારે લોકો ઘરમાં કેદ હતા અને રોજગાર, ભોજન અને દવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે નટુભાઈએ માનવતાની અનોખી મિસાલ ઉભી કરી હતી. તેમણે ઘરે ઘરે જઈને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું. કોઈ ઓળખાણ વગર, કોઈ જાત-પાત કે ભેદભાવ વગર, માત્ર માનવતાના નાતે તેમણે આ સેવા કરી હતી.
એટલું જ નહીં, શિક્ષણ પ્રત્યે પણ નટુભાઈનો અભિગમ ખૂબ જ સકારાત્મક રહ્યો છે. તેમણે અનેક શાળાઓમાં બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરાવી, જેથી ગરીબ પરિવારોના બાળકો ભૂખ્યા ન રહે અને મન લગાવીને ભણતર કરી શકે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ તેમની સાચી કમાણી છે, એવું તેઓ વારંવાર કહે છે.
તાજેતરમાં આનંદનગર પ્રાથમિક શાળામાં નટુભાઈ વાણીયાએ 100 થાળીઓનું દાન કરી ફરી એકવાર પોતાની ઉદારતાનો પરિચય આપ્યો. આ દાન માત્ર થાળીઓનું નથી, પરંતુ બાળકોના ભવિષ્ય માટેની ચિંતા અને શિક્ષણ પ્રત્યેની લાગણીનું પ્રતિક છે. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ તેમના આ કાર્યને દિલથી બિરદાવ્યું હતું.
નટુભાઈ વાણીયા માત્ર શાળા કે સંસ્થાઓ પૂરતા સીમિત નથી. સમાજમાં જ્યાં પણ સમૂહ લગ્ન હોય, ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ સામાજિક કાર્યક્રમમાં દાનની જરૂર પડે, ત્યાં તેઓ ક્યારેય પાછી પાની કરતા નથી. શાંતિથી, પ્રસિદ્ધિ વગર, પરંતુ પુરા મનથી તેઓ હંમેશા આગળ આવે છે.
આજના સમયમાં જ્યારે ઘણા લોકો મદદ કરવા પહેલાં ફોટા અને નામની ચિંતા કરે છે, ત્યારે નટુભાઈ વાણીયા નિઃસ્વાર્થ સેવાથી સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. તેમનું જીવન એ સાબિત કરે છે કે સાચી સેવા એ શબ્દોમાં નહીં પરંતુ કાર્યમાં દેખાય છે.
થરાદ જેવા વિસ્તારમાં નટુભાઈ વાણીયા જેવા ભામાસા હોવું એ ગૌરવની વાત છે. તેમની માનવતા, ઉદારતા અને સતત સેવા ભાવના આવનારી પેઢી માટે એક આદર્શ છે. સમાજ એમના આ સેવાકાર્યોને હંમેશા યાદ રાખશે અને આવા સેવાભાવી લોકો થકી જ સમાજ મજબૂત અને સંવેદનશીલ બનશે.







Total Users : 157354
Views Today : 