સાબરકાંઠામાં ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા દિવસે વિકાસકીય પ્રકલ્પો અને શૈક્ષણિક સિદ્ધિઓનું ગૌરવગાન..
ઈડર, વડાલી અને ખેડબ્રહ્માના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાઈ
રાણી તળાવથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સુધી વિકાસની ગતિની અનુભૂતિ કરાવતી પ્રગતિ પથ યાત્રા.
સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસ, શૈક્ષણિક ઉત્થાન અને ઐતિહાસિક વિરાસતને જનમાનસ સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા દિવસે વિકાસ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.

આ યાત્રાએ જિલ્લામાં ચાલી રહેલા કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની કામગીરીની પ્રત્યક્ષ ઝાંખી કરાવી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં થઈ રહેલા પરિવર્તનને જનતા સમક્ષ પ્રસ્તુત કરવાનો અને વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવાનો રહ્યો હતો.
બીજા દિવસની પ્રગતિ પથ યાત્રાના પ્રારંભિક તબક્કે ઈડર તાલુકાના ઐતિહાસિક ‘રાણી તળાવ’ની મુલાકાત લેવામાં આવી હતી. ઈડર નગરપાલિકા હસ્તકનું આ તળાવ ભવિષ્યમાં એક ભવ્ય અને આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની અમૃત ૨.૦ યોજના અંતર્ગત હાથ ધરાયેલા આ આયોજનથી સ્થાનિક નાગરિકોને જાહેર સ્થળ અને મનોરંજનની ઉત્કૃષ્ટ સુવિધા પ્રાપ્ત થશે, સાથે જ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે.

પ્રવાસન ક્ષેત્રે જિલ્લાને વેગ આપવા માટે ત્યારબાદ વડાલીના મહોર ખાતે આકાર લઈ રહેલા મહત્વાકાંક્ષી ધરોઈ રીવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લેવાઈ હતી, જે આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાપિત કરવા માટે સજ્જ છે.
આ યાત્રા દરમિયાન જિલ્લાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા ખાતે હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈન અને રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને પરિવહન ક્ષેત્રે થયેલી કામગીરીની વિગતો મેળવવામાં આવી હતી.
ત્યારબાદ ખેડબ્રહ્માના અગિયા ખાતે આવેલ આધુનિક શૈક્ષણિક સંસ્થા ‘એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા’ની મુલાકાત લેવાઈ હતી. અહીં સાંસદશ્રીઓ અને પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ડિજિટલ ક્લાસરૂમ, સુસજ્જ હોસ્ટેલ અને રમત-ગમતના આધુનિક સંસાધનોનું નિરીક્ષણ કર્યું હતું, જે આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસમાં પાયારૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.
યાત્રાના અંતિમ ચરણમાં ખેડબ્રહ્માના બોરડી ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કાર્યરત આ સરકારી નિવાસી શાળામાં ધોરણ-૬ થી ૧૨ની કન્યાઓને અપાતા ગુણવત્તાસભર શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણની સરાહના કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન દીકરીઓના સશક્તિકરણ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનું પ્રદર્શન કરાયું હતું. શિક્ષણ અને સ્વાસ્થ્યના આધુનિક ધોરણો સાથેની આ શાળાઓ જિલ્લાના શૈક્ષણિક ગૌરવમાં વધારો કરી રહી હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.
આ પ્રગતિપથ યાત્રામાં સાંસદશ્રી શોભનાબેન બારૈયા ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ અને અશ્વિનભાઈ કોટવાલ સહિતના મહાનુભાવો જોડાયા હતા
આ સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


