કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ક્ષેત્રીય મુલાકાતમાં અનેક દબાણો દૂર કરવામાં આવ્યા*
*કોડિનારના વેલણ ગામમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું*
*દિવ-ઉના ચેકપોસ્ટ નજીક સરકારી જગ્યામાં કરેલ દબાણો તેમજ દેલવાડા ગામે રોડની બાજુમાં આવવાના ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યાં*
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજરોજ જિલ્લાની ક્ષેત્રીય મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લામાં અનેક જગ્યાઓએ સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કર્યા હતાં. તેમજ, ચોમાસામાં થતાં રોગચાળાને ધ્યાનમાં લઇ જિલ્લામાં સાફ-સફાઈ અભિયાન વેગવાન બને તે માટે તંત્રને પ્રેરિત કર્યું હતું.
કલેકટરશ્રીએ આજે કોડિનાર તાલુકાના વેલણ ગામની મુલાકાત લીધી હતી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી, કોડીનારને સૂચના આપી, ઝુંબેશના ભાગરૂપે સફાઈ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ગામમાં આવેલ જુદી-જુદી જગ્યાઓમાં ગંદકી દૂર કરવામાં આવી હતી. તેમજ નાળાઓની પણ સાફ- સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગામમાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
નલીયા માંડવી ગામની રૂબરૂ મુલાકાત લઈ બાંધકામ મંજૂરી વિનાની નિર્માણાધિન ચાર બહુમાળી બિલ્ડીંગ/વાણિજય મિલ્કતોને સીલ કરવામાં આવી હતી.
તેમજ દિવ-ઉના ચેકપોસ્ટ નજીક સરકારી જગ્યામાં કરેલ દબાણોને દૂર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત, દેલવાડા ગામે રોડની બાજુમાં આવેલા ધાર્મિક દબાણો ગામ લોકોના સાથ સહકાર સાથે દૂર કરવામાં આવ્યાં હતાં.
કલેકટરશ્રીની પ્રાંચી મુલાકાત દરમ્યાન લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા કરેલી અપીલને ધ્યાનમાં રાખીને શ્રી માધવરાયજી મંદિર તરફ જતો મુખ્ય રોડ તથા મોક્ષ પીપળા તરફ જતો મુખ્ય બજારના રસ્તાની બન્ને તરફ આવેલ ટ્રાફિકને અડચણરૂપ કાચી/ પાકી દુકાનો, પતરાના શેડ, ચાની કિટલીઓના ઓટલાઓ વગેરે દુકાનધારકોની સહમતિથી દૂર કરવામાં આવ્યા હતા.
તેમજ વેરાવળ-કોડિનાર નેશનલ હાઈવે ઉપર ઘંટીયા ફાટકથી પ્રાંચી સુધી નેશનલ હાઈવેની બન્ને સાઈડ સરકારી જમીનમાં આવેલ પાકી દુકાનો, કેબિનો, પતરાના શેડ, દિવાલો વગેરે ટ્રાફિકને અડચણરૂપ તમામ બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમ્યાન પ્રાંચી ગામના લોકો, દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ વહિવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
——–
રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ