નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળી મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયે પહોંચીને સંબોધન કર્યું હતું. જીતના અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં પરિવારવાદની હાર અને સુશાસનની જીત થઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયમાં મહારાષ્ટ્રની જીત પર જનતાનો ધન્યવાદ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર દેશનું છઠ્ઠુ રાજ્ય છે, જેમાં ભાજપે સતત ત્રણ વાર જનાદેશ જીત્યો છે. હું આજે મહારાષ્ટ્રની જનતા જનાર્દનને ખાસ અભિનંદન કરવા માગું છું. સતત ત્રીજી વાર સ્થિરતાને ચૂંટવી મહારાષ્ટ્રના લોકોની સૂઝબૂઝ બતાવે છે. વચ્ચે અમુક લોકોએ દગો કરીને અસ્થિરતા ઊભી કરવાની કોશિશ કરી, પણ મહારાષ્ટ્રે તેમને નકારી દીધા અને આ વાતની સજા મોકો મળતા જ આપી દીધી. મહારાષ્ટ્રના લોકોએ જનાદેશ આપ્યા છે અને તે વિકસિત ભારત માટે બહુ મોટો આધાર બનશે.મહારાષ્ટ્રમાં જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમે વિચાર્યું હતું કે સંવિધાનના નામ પર ખોટું બોલીને, અનામતના નામ પર ખોટું બોલીને SC/ST/OBCને નાના નાના જૂથમાં વહેંચી નાખશે. કોંગ્રેસ અને તેના સાથીઓનું આ ષડયંત્ર મહારાષ્ટ્રને ફગાવી દીધું. મહારાષ્ટ્રે છાતી ઠોકીને કહ્યું છે કે એક હૈ, તો સેફ.
અહેવાલ – સંજય ગાંધી