વ્યારા ખાતે યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૨૩ મીડિયા કર્મીઓનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું
સંજય ગાંધી,તાપી તા.૩૦
માહિતી અને પ્રસારણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર અને રેડક્રોસ સોસાયટી, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભીખીબા રેડક્રોસ ભવન, તાડકુવા ખાતે યોજાયેલા મીડિયા કર્મીઓના આરોગ્ય કેમ્પમાં 23 મીડિયા કર્મીઓનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “ફિટ ઇન્ડિયાના સ્લોગનને સાકાર કરવા માટે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્યના મિડિયા કર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ઠેર ઠેર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત તાપી જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાપી જિલ્લાના ૨૩ જેટલા પત્રકાર મિત્રોએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. જેમાં ૨૩ મીડિયા કર્મીઓના બ્લડ સેમ્પલ તથા ૩૫ વર્ષથી વધુ ઉંમરના ૧૮ મીડિયા કર્મીઓના એક્સ-રે અને ઇ.સી.જી ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ખાતેથી મીડિયાકર્મીઓના હેલ્થ ચેક-અપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાં રેડક્રોસ સોસાયટીના સહયોગથી હેલ્થ ચેક-અપ કેમ્પના આયોજનનો સિલસિલો અવિરત રીતે ચાલી રહ્યો છે.
વ્યારા ખાતે યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે માહિતી અને પ્રસારણ વિભાગ ગુજરાત સરકાર, રેડક્રોસ ગુજરાત અને જિલ્લા માહિતી કચેરી, વ્યારા-તાપી અને રેડક્રોસ વ્યારાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.