પા પા પગલી….
વ્યારા શહેરમાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો ૨૦૨૪ યોજાયો
–
નિઝર અને ઉચ્છલ તાલુકામાંથી ભૂલકાઓ સહીત માતા-પિતા અને કાર્યકર બહેનો મોટી સંખ્યામાં પ્રોગ્રામ જોવા માટે હાજર રહ્યા
સંજય ગાંધી, તાપી તા.૦૨
વ્યારાના આંગણે જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને બાળકો અને માતા પિતા માટે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલી અને જનસમુદાયની જાગૃતિ અને ભાગીદારી માટે આ ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસવા અધ્યક્ષપદે હાજર રહ્યા હતા. શ્રીજાલમસિંહ વસવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું એક ફળ સ્વરૂપ તે આપણી આંગણવાડી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડીને નંદઘર અને તેડાગર બહેનોને માતા યશોદાની ઉપમા આપી છે. આવા નાના ભૂલકાઓને શિક્ષણ આપવું ખુબ કઠીન કામ છે, તેમ છતાં આ બહેનો ખુબ પ્રેમ ભાવ પૂર્વક આ કામ કરી રહી છે. આપણા બાળકોને અહી પૌષ્ટિક આહાર મળે છે સંજીવની દૂધ મળે છે અને તેની તંદુરસ્તીમાં વધારો થાય છે.
આ ઉત્સવમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન શાહે જણાવ્યું હતું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આપણા ભારતમાં નોંધપાત્ર પરિવર્તનો કરવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિ પ્રમાણે બાળકોને અહી ખોરાક અને શિક્ષણ આપવામાં આવે છે. આજની જનરેશન ખુબ જ સ્માર્ટ છે. આપણને સમજવા વાર લાગે છે પરંતુ આપણા પહેલા આ બાળકો સમજી જાય છે.
આ પ્રોગ્રામમાં બાળકોએ સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો તેમજ કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા ખોરાક અને પોષણને લગતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકો વાલીઓ તેમજ અન્ય લોકોએ મળીને ભાગ લીધો હતો. બાળકોના પરફોર્મન્સને સૌ કોઈએ બિરદાવ્યું હતું.
કાર્યક્રમમાં કારોબારી સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ગામીત, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ મધુબેન ગામીત, પ્રોગ્રામ ઓફિસર તન્વીબેન પટેલ, મહીલા અને બાળ વિભાગ સમિતિના અધ્યક્ષ તૃપ્તિબેન, જિલ્લા પંચાયતના વિવિધ સભ્યો, આઈસીડીએસના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.