સાસણમાં 3 જિલ્લા ના 196 ગામ ના ખેડૂતોનો વિરોધ
જુનાગઢમાં સાસણ ગીર ખાતે ઇકો ઝોન મુદ્દે વિરોધનો વંટોળ, મોટી સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી RFOને આપ્યુ આવેદનપત્ર
સાસણગીરમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ ટ્રેક્ટર રેલી યોજી હતી. જે બાદ સાસણ ગીર વન વિભાગની કચેરીએ RFOને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમા ઈકો ઝોન નાબૂદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઈકોઝોન મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને કોઈપણ રીતે નમતુ જોખવા તૈયાર નથી. ત્યારે સાસણગીરમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અકત્ર થયા હતા અને વિશાળ ટ્રેક્ટર રેલી યોજી હતી.ઇકો ઝોન મુદ્દે ગીર પંથકમાં છેલ્લા 60 દિવસથી વિરોધનો વંટોળ છે. ત્યારે, ફરી એક વાર સાસણ ગીર ખાતે ખેડૂતો એકત્ર થયા અને ટ્રેક્ટર રેલી યોજી વિરોધ નોંધાવ્યો. તેમણે, હેલિપેડ ખાતે એકત્ર થઇને RFO કચેરી સુધી ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી. આ વિરોધ પ્રદર્શનમાં AAPના નેતા ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ પણ ઉપસ્થિત રહ્યા. જુનાગઢ જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા પણ ખેડૂતોના સમર્થનમાં હાજર રહ્યા હતા.
ટ્રેકટર રેલી યોજી વિરોધ કરી રહેલા ખેડૂતોએ માગ કરી છે, કે ઇકો સેન્સિટીવ ઝોનને નાબૂદ કરવામાં આવે. આ તકે ખેડૂતોમાં વન વિભાગ અને સરકારની ઇકો ઝોન કાયદા અંગેની નીતિ અંગે ભારે રોષ જોવા મળ્યો. મહત્વનું છે, ઇકો ઝોનની નાબૂદી માટે અગાઉ પણ પંથકમાં અનેક વાર કાર્યક્રમો થયા છે અને ઇકો ઝોન નાબૂદ કરવા માગ કરાઇ છે.ઉલ્લેખનીય છે, 18 સપ્ટેમ્બરના રોજ ઇકો ઝોન બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી અને 18 નવેમ્બરે વાંધા અરજીનો સમયગાળો પૂરો થયો છે. ત્યારે, ખેડૂતોએ ચીમકી આપી છે કે આગામી સમયમાં ઇકો ઝોન નાબૂદ નહી થાય તો ઉગ્ર આંદોલન કરશે