ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષપદે હિમાંજય પાલિવાલની નિમણુંક
(સંજય ગાંધી દ્વારા ) ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ ના અધ્યક્ષ તરીકે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી રાજ્ય સરકાર દ્વારા ખ્યાતનામ સંસ્કૃત પ્રચારક અને કુશળ સંગઠક શ્રી હિમાંજય પાલીવાલની નિમણુંક કરાઈ છે. છેલ્લા ૨૨ વર્ષથી ‘સંસ્કૃત ભારતી’ ના માધ્યમ થકી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ શ્રી પાલીવાલ જાણીતા શિક્ષણશાસ્ત્રી અને વિચારક તેમજ સંઘ પ્રચારક છે.
સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંત સંગઠનમંત્રી તરીકે રાજ્યમાં સંસ્કૃત ભાષી ચળવળનું અસરકારક નેતૃત્વ કરનાર શ્રી પાલીવાલ સંસ્કૃત ભાષાના પુનરુત્થાન, જાળવણી અને સંવર્ધન કાર્ય માટે પ્રતિબદ્ધ છે. અગાઉ તેઓશ્રી છત્તીસગઢ, મહાકૌશલ (મ. પ્ર.), મેરઠ પ્રાંત (ઉ. પ્ર.) માં સંસ્કૃત ભારતી પ્રાંત સંગઠનમંત્રી અને છેલ્લે પશ્ચિમ ક્ષેત્ર સંગઠન મંત્રી (ગુજરાત, કોંકણ-મહારાષ્ટ્ર) તરીકેની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. શ્રી પાલીવાલની રાજ્ય સંસ્કૃત બોર્ડમાં અધ્યક્ષ તરીકેની નિમણુંકને રાજ્ય ભરના તમામ સંસ્કૃત પ્રેમીઓએ હર્ષપૂર્વક વધાવી છે.