કોડિનાર- પેટ્રોલપંપના હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન સરકાર હસ્તક લેવાઈ
ગેરકાયદેસર રીતે સ્ટોક કરેલા કપચી, રેતી બાબતે કાર્યવાહી હાથ ધરાઈ
તત્કાલીન અમરેલી (હાલ ગીર સોમનાથ) જિલ્લાના કોડિનાર તાલુકાના કોડીનાર તળપદના સ.નં.૧ર૬૪/૧ પૈકીમાંથી ચો.વાર ૪૪૪પ-૦૦ વાળી જમીન પેટ્રોલપંપના હેતુ માટે કલેકટર શ્રી અમરેલીના તા.ર૯/૧ર/૧૯૭ર હુકમની શરતોને આધિન શ્રી નવિનચંદ્ર આર.લેઉવાને નવી અવિભાજય અને વિક્રિયાદિત ચોકકસ શરતોને આધિન ભાડાપટ્ટેથી ફાળવવામાં આવી હતી. આ સવાલવાળી જમીનમાં શરતભંગ જણાતા કલેકટરશ્રી જૂનાગઢના તા.૧૩/૧૦/ર૦૦૦ના હુકમથી સવાલવાળી જમીન શ્રી સરકાર ખાલસા કરવા અને વિના વળતર બીન બોજે સમથળ સ્થિતિમાં સરકાર પરત કબ્જો સંભાળી લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો.ઉકત નિર્ણયની સામે અરજદારશ્રીએ મહેસૂલ વિભાગ (વિવાદ) અમદાવાદ સમક્ષા રિવિઝન અરજી દાખલ કરતા સચિવ શ્રી મહેસૂલ વિભાગ (વિવાદ)ના તા.૧૩/૦૭/ર૦૧૭ના હુકમથી અરજદારશ્રીની રિવિઝન અરજી નામંજૂર કરી કલેકટરશ્રી જૂનાગઢનો તા.૧૩/૧૦/ર૦૦૦નો હુકમ/નિર્ણય કાયમ રાખવામાં આવ્યો હતો.સચિવશ્રી મહેસુલ વિભાગ (વિવાદ) અમદાવાદના તા.૧૩/૦૭/ર૦૧૭ ના નિર્ણયથી નારાજ થઈ જાહિરભાઈ ફીદા હુસેન આફ્રીકાવાળાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉત્તરોત્તર અપીલો કરી હતી. છેલ્લે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા.૧૬/૦૧/ર૦રપના ઓર્ડરથી એલ.પી.એ. ડિસ્પોઝ કરવામાં આવી હતી. જેથી ગીર સોમનાથ કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ આજરોજ મામલતદારશ્રી કોડિનારે સવાલવાળી જમીનનો કબ્જો સરકાર હસ્તક સંભાળ્યો છે.આ જગ્યા પર ગેરકાયદેસર રીતે સ્ટોક કરેલા કપચી, રેતી, બેલા બાબતે ખાણ ખનીજ વિભાગ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.