સૂત્રાપાડા અને કોડિનાર તાલુકામાં રૂ.૫૧,૭૫,૦૦૦ની કિંમતના બે ટ્રુનાટ મશીન કીટનું લોકાર્પણ
ટી.બી.મુક્ત ગીર સોમનાથની નેમ વ્યક્ત કરતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા
ક્ષય નિર્મૂલનમાં ઉત્તમ કામગીરી બદલ ટી.બી.મુક્ત પંચાયતોને સર્ટિફિકેટ વિતરણ કરાયાં
ગીર સોમનાથ જિલ્લાને ક્ષય મુક્ત જિલ્લો બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય એકમ દ્વારા વિવિધ કામગીરી થઈ રહી છે. આ જ ઉપક્રમે ક્ષયના દર્દીઓનું ઉત્તમ નિદાન થઈ શકે એ માટે સૂત્રાપાડા અને કોડિનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રૂ.૫૧,૭૫,૦૦૦ની કિંમતના ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સાથે જ કલેક્ટરશ્રી અને મહાનુભાવો દ્વારા કોડિનારની ૧૩ ગ્રામપંચાયત અને સૂત્રાપાડાની ૧૯ ગ્રામપંચાયતને ક્ષય નાબુદીની ઉત્તમ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.આ અવસરે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લો પણ સક્રિય રીતે પોતાની ભાગીદારી નોંધાવી ગીર સોમનાથ ટી.બી. મુક્ત બને એ દિશામાં કામગીરી કરી રહ્યો છે. જિલ્લામાં ૩૨૯ ગ્રામ પંચાયતમાંથી ૧૪૮ ગ્રામ પંચાયત ટીબી મુક્ત બની છે. રાજ્યમાં ટી.બી.ની આ પ્રકારની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે. હજુ પણ આપણે આ દિશામાં આગળ વધી ઉત્તમ કામ કરવાનું છે. આ સાથે જ કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લાને ટી.બી.મુક્ત બનાવવા સહયોગ આપવા ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી.જિલ્લા ક્ષય અધિકારી શ્રી શીતલ રામે જણાવ્યું હતું કે, પહેલા ક્ષય નિદાન કરાવવા માટે જામનગર સુધી ધક્કો ખાવો પડતો હતો પરંતુ હવે ટ્રુનાટ મશીનની મદદથી સ્થાનિક સ્તરે જ ક્ષય નિદાનની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. ક્ષય નિદાનની તપાસમાં અંદાજિત રૂ. ૪૦૦૦ના રિપોર્ટ ખર્ચ થતો હતો. જેની હવે દર્દીઓને નિ:શુલ્ક સુવિધા મળશે.જિલ્લાના ખાણ પ્રભાવિત વિસ્તારના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થાય અને સમયસર આરોગ્યની તપાસ અને સારવાર મળે રહે તે માટે સૂત્રાપાડા અને કોડિનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ક્ષય રોગની તપાસ માટે ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન-ગીર સોમનાથની ગ્રાંટમાંથી સૂત્રાપાડા અને કોડિનારમાં કુલ રૂ. ૫૧,૭૫,૦૦૦ના બે ટ્રુનાટ મશીન કીટનું લોકાર્પણ કરાયું હતું.ટ્રુનાટ મશીન કીટ દ્વારા ઝડપથી, સરળતાથી અને વિના મુલ્યે ક્ષય રોગની તપાસ થઇ શકશે. દર્દીના બિમારીના તબક્કાને ઓળખી અને તેના આધારે ઝડપથી સારવાર આપીને દર્દીને સ્વસ્થ કરવા આ મશીન મદદરૂપ થશે. સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ મશીનની સારવારનો લાભ મળી શકશે અને ક્ષય જેવા ગંભીર રોગ સામે રક્ષણ મળી રહેશે.ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ખનીજ ક્ષેત્રે ધરાવતા વિસ્તારનો સંતુલિત વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કામો સુચારું રૂપે હાથધરી શકાય તે માટે ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, ડિસ્ટ્રિક્ટ મિનરલ કો-ઓર્ડિનેટર શ્રી ભૂપતભાઈ સાંખટ, નગર પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.