>
Saturday, May 17, 2025

જમીન રેકર્ડ સાથે ચેડા કરનાર ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ

વેરાવળ: જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ જમીનના રેકર્ડ સાથે ચેડા કરનાર ચાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ સંદર્ભે, કોડીનારના રહેવાસી ભરત ઠકરાર, હિતેશ ઠકરાર, મનોજ ઠકરાર અને હંસા પોપટ વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ ઘટનાની વિગતો અનુસાર, વેરાવળ તાલુકાના મોજે પ્રભાસ પાટણના સર્વે નંબર ૮૪૨/બ/પૈકીની જમીનની માપણી શીટમાં છેડછાડ કરવામાં આવી હોવાની જાણ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાને થતા તેમણે તાત્કાલિક આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સંબંધિત અધિકારીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.સંબંધિત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે કોડીનાર તાલુકાના રહેવાસી ભરત અતુલકુમાર ઠકરાર, હિતેશકુમાર ધીરજલાલ ઠકરાર, મનોજકુમાર ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટે પોતાના અંગત ફાયદા માટે આ કૃત્ય કર્યું હતું. તેઓએ તેમની સર્વે નંબર ૮૪૨/બ/પૈકીની બિન ખેતીની જમીનનો લે આઉટ પ્લાન મંજૂર કરાવવા માટે આ સર્વે નંબરની પશ્ચિમ દિશામાં આવેલા ૧૦ મીટરના રસ્તાને ડી.આઈ.એલ.આર. ઓફિસ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી સરકારી માપણી શીટમાં છેડછાડ કરીને ૧૮ મીટરનો દર્શાવ્યો હતો.

આ આરોપીઓએ ખોટું ડોક્યુમેન્ટ ઊભું કર્યું હોવાની જાણ હોવા છતાં, આ ડોક્યુમેન્ટને વેરાવળ નગરપાલિકામાંથી લે આઉટ પ્લાનની મંજૂરી મેળવવા માટે સાચા તરીકે ઓનલાઈન અપલોડ કર્યું હતું. તપાસમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જિલ્લા કલેકટરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી.આઈ.એલ.આર. ઓફિસના સ્ટાફ દ્વારા તા. ૨૨/૦૪/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૧૬(૨), ૩૧૮(૩), ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૫૪ હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હવે આ મામલે આગળની તપાસ હાથ ધરશે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores