ગીર ગઢડા–દેલવાડા–વેરાવળ મીટર ગેજ ટ્રેન ટાઈમ ટેબલમાં ફેરફારથી મુસાફરોમાં રોષ, જૂની સુવિધા યથાવત રાખવાની માંગ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, દેલવાડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી મીટર ગેજ રેલ્વે લાઇન સ્થાનિક લોકો માટે જીવનરેખા સમાન રહી છે. ગીર ગઢડા ખાતે આવેલું વર્ષો જૂનું રેલ્વે સ્ટેશન અને અનુકૂળ ટ્રેન ટાઈમ ટેબલના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, દર્દીઓ તથા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળતી હતી.
પરંતુ તાજેતરમાં રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનના ટાઈમ ટેબલમાં કરવામાં આવેલા ફેરફાર તથા વહેલી સવારે દેલવાડા–વેરાવળ જતી ટ્રેન બંધ કરવામાં આવતા લોકોને ભારે અગવડતા વેઠવી પડશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિક લોકોએ આ નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને જૂનું ટાઈમ ટેબલ યથાવત રાખવા તેમજ બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવાની માગ ઉઠાવી છે.
વહેલી સવારની દેલવાડા–વેરાવળ ટ્રેન જરૂરી કેમ?
સ્થાનિકો જણાવે છે કે જો દેલવાડાથી વેરાવળ જતી ટ્રેન વહેલી સવારના સમયગાળા દરમિયાન યથાવત રાખવામાં આવે તો વેરાવળ જંકશન પરથી લાંબા રૂટની બ્રોડ ગેજ ટ્રેનો સાથે જોડાણ સરળ બની શકે.
આ ઉપરાંત વેરાવળ ખાતે કલેક્ટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં કામ માટે જતા લોકોને સમયસર પહોંચવાની સુવિધા મળી શકે. વેરાવળ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર, સરકારી તથા ખાનગી મોટા દવાખાનાઓનો લાભ પણ આ ટ્રેન દ્વારા સરળતાથી મળી શકે તેમ છે.
શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વની ટ્રેન
વેરાવળથી સોમનાથ ખાતે આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે સૌરાષ્ટ્રભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ ટ્રેનનો ઉપયોગ કરતા હતા.
તે જ રીતે દેલવાડા અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ ગીર ગઢડા ખાતે કોલેજ માટે નિયમિત રીતે આ ટ્રેનમાં મુસાફરી કરે છે. પ્રાચી, હડમતીયા ગીર જેવા નાના સ્ટેશનોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તાલાળા અને વેરાવળ અભ્યાસ અર્થે જતા હોવાથી આ ટ્રેન તેમની માટે અત્યંત ઉપયોગી છે.
સાંજની વેરાવળ–દેલવાડા ટ્રેન પણ જરૂરી
વેરાવળથી દેલવાડા જતી સાંજની ટ્રેન જો જૂના સમય મુજબ જ રાખવામાં આવે તો સરકારી કર્મચારીઓ, ખાનગી નોકરીયાતો, વેપારીઓ તથા વિદ્યાર્થીઓને પોતાના ઘરે પરત ફરવામાં મોટી સહેલાઈ રહે.
જુનાગઢ–દેલવાડા રૂટ માટે પણ માંગ
સ્થાનિકોનું કહેવું છે કે જો જુનાગઢથી દેલવાડા આવતી ટ્રેન વહેલી સવારમાં ચલાવવામાં આવે તો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સતાધાર, સાસણ ગીર, તાલાળા શ્રીબાઈ આશ્રમ, જામુર નાગેચી પીરની દરગાહ, પ્રાચી પીપળો, જામવાળા જમીજીરનો ધોધ, ગીર ગઢડા દ્રોણેશ્વર મહાદેવ, ટપકેશ્વર મંદિર, તુલસી શ્યામ, પાતલેશ્વર મહાદેવ, બાલેજ, કનકાઈ માતાજી તેમજ દેલવાડા સ્થિત ગુપ્ત પ્રયાગ અને સાઈ બાબા મંદિર જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળોના દર્શનનો લાભ મળી શકે.
દેલવાડાથી નજીક આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ માટે પણ આ ટ્રેન પર્યટકો માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
મીટર ગેજથી બ્રોડ ગેજ કરવાની ઉગ્ર માંગ
આ સાથે લોકોએ રેલ્વે વિભાગ સમક્ષ મહત્વપૂર્ણ માંગ રજુ કરી છે કે, સૌરાષ્ટ્ર વિસ્તાર વિશાળ અને વસ્તી વધતી હોવાના કારણે હાલની મીટર ગેજ લાઇનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવે.
હાલમાં યુવા વર્ગ હીરા અને કાપડ ઉદ્યોગમાં નોકરી માટે રાજકોટ, સુરત, નવસારી, અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોમાં જવા માટે ખાનગી બસો પર નિર્ભર છે, જેમાં ટ્રાફિક અને અકસ્માતનો જોખમ વધે છે તેમજ વધુ ભાડું ચૂકવવું પડે છે. બ્રોડ ગેજ ટ્રેન શરૂ થાય તો આ જોખમ અને ખર્ચ બંનેમાં ઘટાડો થઈ શકે તેમ છે.
સ્થાનિક લોકો, સામાજિક સંગઠનો અને જનપ્રતિનિધિઓએ રેલ્વે મંત્રાલય તથા પશ્ચિમ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે કે લોકોની સુવિધા અને જાહેર હિતને ધ્યાનમાં રાખી ટ્રેન ટાઈમ ટેબલમાં કરાયેલ ફેરફાર પર પુનર્વિચાર કરવામાં આવે અને સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં રેલ્વે સુવિધાનો વિકાસ કરવામાં આવે
રિપોર્ટર ધર્મેશ ચાવડા






Total Users : 161522
Views Today : 