ધોકડવા ગામમાં બુટલેગરોનો આતંક: દારૂ વેચવાની ના પાડતા વેપારી પર જીવલેણ હુમલો, ગામ સજ્જડ બંધ
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં બુટલેગરોના આતંક સામે વેપારીઓ એકજૂટ થયા છે. ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિરોધ કરનાર એક વેપારી પર બુટલેગર અને તેના સાગરીતો દ્વારા થયેલા હુમલાના વિરોધમાં આજે સમગ્ર ધોકડવા ગામના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી રેલી કાઢી હતી અને કડક કાર્યવાહીની માંગ ઉઠાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, ધોકડવા ગામના શાક માર્કેટ વિસ્તારમાં હીરાબા કરિયાણા એન્ડ જનરલ સ્ટોરના માલિક ચીમનભાઈ ની દુકાન આવેલી છે. ગઈકાલે તેમની દુકાન નજીકની ગલીમાં કેટલાક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ બાબતે ચીમનભાઈએ બુટલેગરને દારૂ વેચવાનું બંધ કરવા જણાવ્યું હતું. આથી બુટલેગર ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.પરંતુ થોડી જ વારમાં બુટલેગર પોતાના સાગરીતોને સાથે લઈને ચીમનભાઈની દુકાને પહોંચ્યો હતો અને તેમની પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. વેપારીઓમાં ભય અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી.આ ઘટના બાદ ચીમનભાઈએ ગામના અન્ય વેપારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ આગેવાનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. જેના પગલે આજે બપોરના સમયે મોટી સંખ્યામાં વેપારીઓ શાક માર્કેટ પાસે ભેગા થયા હતા. વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખી પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગામમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ બનાવમાં વધુ રોષ ત્યારે ફાટી નીકળ્યો હતો જ્યારે આથી વેપારીઓમાં ન્યાય ન મળવાની લાગણી વધુ ઘેરાઈ હતી..વેપારીઓનું કહેવું છે કે ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવા છતાં પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે બુટલેગરોના હિંમત વધતા જાય છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો હુમલાખોરો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે.ધોકડવા ગામમાં બનેલી આ ઘટનાએ એક તરફ બુટલેગરોના વધતા આતંકને ઉજાગર કર્યો છે, તો બીજી તરફ પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા






Total Users : 161563
Views Today : 